• સોમવાર, 20 મે, 2024

વિવાદી બયાન પર ઘમસાણ ; પિત્રોડાનું રાજીનામું

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 8 : લોકસભા ચૂંટણી વચ્ચે વિવાદ સર્જક નિવેદનબાજી બદલ ઘેરાયેલા કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ બુધવારે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું, જે કોંગ્રેસે તરત મંજૂર પણ કરી નાખ્યું હતું. હકીકતમાં આજે સામે આવેલા એક મુલાકાતના વીડિયોમાં વધુ એક વિવાદી નિવેદનમાં પિત્રોડાએ કહ્યું હતું કે, ભારત દેશના પૂર્વના લોકો ચીની જેવા અને દક્ષિણના લોકો આફ્રિકી જેવા, પશ્ચિમ ભારતના લોકો `આરબ' જેવા ગોરા દેખાય છે. કોંગ્રેસ નેતાના આવા વિવાદી બોલથી રાજકીય ઘમસાણ મચી ગયું હતું. તરત પ્રતિક્રિયા આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મારું મન ગુસ્સાથી ભરાઈ ગયું છે. કેસરિયા પક્ષના અન્ય નેતાઓ તરફથી પણ પ્રહારો વચ્ચે કોંગ્રેસે નિવેદનથી દૂર રહેતાં સ્પષ્ટ કર્યું હતું કે, ભારતની વિવિધતાની આવી પરિભાષા પક્ષને મંજૂર નથી. નિવેદન પર તરત પલટવાર કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, શહજાદાના ફિલોસોફરે ચામડીના વાનના આધાર પર ભારતીયોનું અપમાન કર્યું છે. એક વીડિયોમાં સામ પિત્રોડાને કહેતા સાંભળી શકાય છે કે, ભારત એક અત્યંત વિવિધતા ભરેલો દેશ છે, જ્યાં પૂર્વી ભારતમાં રહેતા લોકો ચીનના લોકો જેવા, પશ્ચિમમાં રહેનાર અરબ જેવા, ઉત્તર ભારતમાં રહેતા લોકો શ્વેતોની જેમ અને દક્ષિણમાં રહેનારા આફ્રિકન લોકોની જેમ દેખાય છે, પરંતુ તેનાથી ફરક પડતો નથી, આપણે બધાં ભાઈ-બહેન છીએ. તેમણે કહ્યું કે, આપણે વિવિધ ભાષા, ધર્મ અને રીતિ-રિવાજોનું સન્માન કરીએ છીએ. તે ભારત છે, જેના ઉપર મારો વિશ્વાસ છે, જ્યાં દરેક વ્યક્તિનું સન્માન છે અને દરેક વ્યક્તિ કોઈ ને કોઈ જગ્યાએ થોડી સમજૂતી કરે છે.  વડાપ્રધાન મોદીએ કહ્યું, આજે હું ખૂબ ગુસ્સામાં છું. જો લોકો મારી સાથે દુર્વ્યવહાર કરે, તો હું દુરુપયોગ સહન કરું છું; પરંતુ શહજાદાના ફિલોસોફરે આટલા ખરાબ શબ્દો કહ્યા કે મારું મન ગુસ્સાથી ભરાઈ ગયું છે. મોદીએ કહ્યું, શું મારા દેશમાં લોકોના રંગ પરથી તેમની યોગ્યતા નક્કી થશે ? રંગભેદની રમત રમવાનો અધિકાર શહજાદાને કોણે આપ્યો છે ? બંધારણને માથે લઈને નાચનારા લોકો મારા દેશનું અપમાન કરી રહ્યા છે. સામ પિત્રોડાનાં નિવેદન બાદ ભાજપે તેમના પર જોરદાર પ્રહારો કર્યા છે. આસામના સીએમ હિમંતા વિશ્વ શર્માએ સામ પિત્રોડાનાં નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે, હું ઉત્તર-પૂર્વનો છું અને હું ભારતીય જેવો દેખાઉં છું. સાથે ભાજપના પ્રવક્તા શહજાદા પૂનાવાલાએ પણ પિત્રોડાનાં નિવેદનને જાતિવાદી ગણાવ્યું છે. સિવાય કંગના રનૌતે પણ ગુસ્સામાં કહ્યું કે, પિત્રોડાનું નિવેદન જાતિવાદી અને વિભાજનકારી છે. તેઓ ભારતના લોકોને ચાઈનીઝ અને આફ્રિકન કહી રહ્યા છે. પિત્રોડાનાં નિવેદનથી કોંગ્રેસને શરમ આવવી જોઈએ. કોંગ્રેસે પિત્રોડાનાં નિવેદનની ટીકા કરી છે. પાર્ટીના સાંસદ જયરામ રમેશે કહ્યું છે કે, સામ પિત્રોડાએ ભારતની વિવિધતા વિશે જે કહ્યું તે ખોટું છે. કોંગ્રેસ નિવેદનોથી પોતાને સંપૂર્ણ રીતે અલગ કરે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang