• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

ગાંધીધામ : 5.55 કરોડની ખંડણી પ્રકરણે વધુ ત્રણની ધરપકડ

ગાંધીધામ, તા. 4 : શહેરના વેપારીનું અપહરણ અને રૂા. 5.55 કરોડની ખંડણીના પ્રકરણમાં તપાસ કરી રહેલી પોલીસે આ બનાવમાં વધુ ત્રણ શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલા આ ત્રણ શખ્સ પાસેથી રોકડ રૂા. 28,98,000 તથા મોંઘા મોબાઇલ જપ્ત કરાયા હતા. બનાવના ત્રણ સૂત્રધાર હજુ હાથમાં આવ્યા નથી. શહેરમાં વેપારી એવા દિલીપ મજેઠિયાનું અપહરણ કરી ખંડણી માગી તેમના દુબઇ સ્થિત ભાઇ પાસેથી રૂા. 5.55 કરોડની ખંડણી પ્રકરણમાં પોલીસે અગાઉ હર્ષ કિશોર તુલસીદાસ સદાદપુરી, રાજદીપક ધનવાણી, ઇબ્રાહીમ જુસબ બુચડ, હુસેન જુસબ બુચડ, શબીર અભુ સાયચા, લક્ષ્મણ ઉર્ફે લચ્છુ લીલારામ હેમનાણી અને સચિન વિકાસ આનંદાનીની ધરપકડ કરી હતી. આ સાતેયના રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે કરાયા હતા. બનાવની તપાસ કરી રહેલી પોલીસે આદિપુરના વિનીત લક્ષ્મણ જાદવાણી (સિંધી), અનમોલ આનંદકુમાર નંદા (ભાનુશાલી) તથા ભુજના વિશાલ ધનરાજ ગોસ્વામી નામના શખ્સોને પકડી પાડયા હતા. આ શખ્સોએ વિદેશી ડોલરને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવા ઓનલાઇન અલગ-અલગ વોલેટથી દુબઇ કિંગ નામના શખ્સને યુ.એસ.ડી.ટી. મોકલી આંગડિયા મારફતે રૂા. 28,98,000 મેળવી મદદગારી કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 28,98,000 તથા પાંચ મોબાઇલ એમ કુલ રૂા. 30,88,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ પ્રકરણના આરોપી જાવેદ અભુ સાયચા, રીઝવાન હુસેન ખીચા અને સોહિલ જુસબ બુચડ નામના શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે.

Panchang

dd