રાપર, તા. 12 : અહીંથી 13 કિ.મી. દૂર પ્રાગપર પાસે કાર
અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં રાપરના બાઈક પર સવાર નવલબેન મસુરિયા (ઉ.વ.
50) તથા તેમના પતિ પરષોત્તમ ગંગારામ
મસુરિયા (ઉ.વ. 55)નું મોત થયું હતું. રાપરથી
માખેલ-આડેસર બાજુ સંબંધીને ત્યાં જઈ રહેલા દંપતીને આજે સવારે અકસ્માત નડયો હતો. પરષોત્તમ
મસુરિયા અને તેમના પત્ની નવલબેન આજે સંબંધીને ઘરે બાઈક લઈને જઈ રહ્યા હતા તેમનું બાઈક
પ્રાગપરથી બે કિ.મી. દૂર પહોંચ્યું હતું ત્યારે સામેથી પૂરપાટ આવતી કાર તેમના બાઈકમાં
ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બંને વાહનોના ફુરચા ઊડી ગયા હતા.
અકસ્માતથી દંપતી નીચે ફંગોળાયું હતું. બંનેને 108 એમ્બ્યુલન્સ થકી સારવાર અર્થે રાપર સરકારી હોસ્પિટલ લઈ જવાયા
હતા. જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. સમાજના પીઢ અગ્રણીના મોતાના
બનાવની જાણ થતાં જ્ઞાતિજનો, આગેવાનો હોસ્પિટલ
દોડી ગયા હતા. મૃતકના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. સાંજે બંનેની
અંતિમયાત્રા એકીસાથે નીકળી ત્યારે વાતાવરણમાં ગમગીની પ્રસરી હતી. બનાવ અંગે પોલીસે
ફરિયાદ નોંધવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે.