દયાપર (તા. લખપત), તા. 14 : છેવાડાના
લખપત તાલુકામાં છેલ્લા છ મહિનાથી ખનિજચોરો બેફામ બન્યા છે. ગમે તેટલી રજૂઆત તેમજ અખબારી
અહેવાલો પછી પણ તંત્રની નિંદર ન ઊડતાં આજે દયાપર પાસે આવેલા પાનેલી ગામના જાગૃત યુવાનોએ
ખનિજચોરી પર જનતારેડ કરી હતી. પાનેલીથી દક્ષિણ દિશામાં આવેલા પ્રાચીન જાગોરા ભવાની
માતા મંદિર અને પાનેલીની વચ્ચે આવેલી નદીમાંથી રાત્રે ટ્રેક્ટરો ભરીને ખનિજચોરી થઈ
રહી હતી. ગામના જાગૃત નાગરિકો રાણુભા સોઢા અને યુવાનોએ 112 ટીમને ફોન કરી બોલાવી હતી.
ખનિજ ભરેલાં બે ટ્રેક્ટરને યુવાનોએ ઝડપી પાડયા હતા. કંટ્રોલ રૂમને જાણ કરાતાં પોલીસ
આવી ગુનો નોંધ્યો હતો. આ બાબતે દયાપર પો. સ્ટેશનમાં પોલીસ ઈન્સપેક્ટર શ્રી પટેલનો સંપર્ક
કરતાં તેમણે કહ્યું હતું કે, એક ટ્રેક્ટર
ખાલી હતું, એકમાં રેતી ભરી હતી, બંને ટ્રેક્ટર
ડિટેઈન કરાયાં છે અને દંડ ભરવાનો મેમો પણ આપી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે,
તાલુકામાં રાત પડતાં જ ખનિજચોરો જાગૃત થઈ જાય છે અને મોડી રાત્રે વાહનોની
ઘરઘરાટી સંભળાતી હોય છે.