• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

એમ-પરિવહન એપીકે ફાઇલનો મેસેજ આવે તો ખોલતા નહીં

ગાંધીધામ, તા. 1 : શહેરના વોર્ડ-11એ વિસ્તારમાં રહેતા એક યુવાનને મોબાઇલમાં એમ-પરિવહન ડોટ એપીકેનો મેસેજ આવ્યા બાદ તેના ખાતામાંથી બારોબાર રૂા. 2,28,076 ઉપાડી લેવામાં આવ્યા હતા. શહેરના મહેશ્વરીનગર પાછળ વોર્ડ 11-એ રામદેવપીર સોસાયટીમાં રહેનાર જગદીશ ધરમશી મસૂરિયા નામના યુવાને આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. નીલકંઠ ટ્રાન્સપોર્ટ નામની પેઢી ચલાવનાર આ યુવાન ગત તા. 22-6ના પોતાના ઘરે હતો, ત્યારે તેના મોબાઇલ ઉપર એમ-પરિવહન ડોટ એપીકે લખેલ સાદો મેસેજ આવ્યો હતો. જે તેણે ખોલતા તેનો મોબાઇલ થોડી ક્ષણો માટે બંધ થઇ ગયો હતો. બાદમાં આપોઆપ ચાલુ થઇ ગયો હતો. મોબાઇલ ચાલુ થતાં વોટ્સએપ પર અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો, જેમાં ફરિયાદીની માલિકીના એક્ટિવાનું ટ્રાફિક નિયમન ભંગ બદલ રૂા. 1000નું ચૂકવણું કરેલ, તેવો વિગતવાર મેસેજ હતો અને નીચે એમ-પરિવહન ફાઇલ આવેલી હતી. તેવામાં  થોડીવારમાં આ યુવાનના ખાતામાંથી રૂા. 50,243, રૂા. 78,450 તથા રૂા. 99,383 એમ કુલ રૂા. 2,28,076 કપાઇ ગયાના મેસેજ આવ્યા હતા. પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી થઇ હોવાનું  જાણીને તેણે તરત 1930 ઉપર પોતાની ફરિયાદ નોંધાવી હતી. દોઢેક મહિના અગાઉ બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ   ધરી છે. 

Panchang

dd