ભુજ, તા. 31 : એલસીબીને બાતમી મળી હતી કે, નલિયા બાજુથી વાયર ચોરીને આ ટોળકી ઈમરાન ઉર્ફે
ટાવર કુંભારના વાડામાં ચોરાઉ વાયર વેચવા આવી છે. આથી ચોરાઉ વાયર અને ટોળકી તથા ચોરાઉ
વાયર ખરીદનાર `ટાવર'ને ઝડપી લેવાયો હતો. આ અંગે એલસીબીએ જાહેર કરેલી
વિગતો મુજબ તેમની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે રેલવે પાટા પાસે આવેલા
ઈમરાન ઉર્ફે ટાવર કુંભારના વાડા પર દરોડો પાડતાં ઈમરાન હાજી મોખા (રહે. પૈયા,
તા. ભુજ), સાહીલ ઈશા મોખા, હનીફ જખરા મમણ, મામદ હુસેન અબ્દુલ્લા મમણ (રહે. ત્રણે
નાના વરનોરા, તા. ભુજ) અને ઈમરાન ઉર્ફે ટાવર ઈશાક કુંભાર (રહે.
ભુજ)ને એલ્યુમિનિયમના વાયરના ગૂંચડા આશરે વજન 500 કિ.ગ્રા. તથા મહેન્દ્ર કંપનીની
પીકઅપ નં. જીજે-12 સીટી 2896 સાથે ઝડપી પાડયા હતા.આ વાયરો
બાબતે પૂછપરછ કરતા સાહિલે જણાવ્યું કે, હું તથા ઈરફાન, હનીફ અને મામદહુસેન ભેગા મળી મોથાળાની
આગળ હાઈવેની સીમમાં આ વાયર ચોરી સંતાડયો હતો અને વાયર વેચવા ઈમરાન ઉર્ફે ટાવરનો સંપર્ક
કરતા અમને ગાડી આપી હતી અને ગાડીથી અહીં લાવ્યા હતા. બીજીતરફ મોથાળા સીમમાં બીજેપી
ફાર્મના છેડાના આવેલા વીજલાઈનના ટાવરમાંથી આ વાયર ચોરાયા અંગેની ફરિયાદ નલિયા પોલીસ
મથકે ગેટકો કંપનીના પેટા કોન્ટ્રાક્ટર કંપનીના આરઓડબલ્યુ ઓફિસર જિતેશભાઈ ચાવડાએ લખાવી
હતી. ગેટકોના ભાચુંડા 400 કે.વી. સબ
સ્ટેશનથી મોથાળા સીમના ટાવર સુધી આશરે 5.480 કિ.મી. લાંબા વાયર કિં. રૂા. 50,000ની તા. 28/5થી 3/6 દરમ્યાન ચોરી થયાની ફરિયાદ
નોંધાવી છે. જે ચોરીનો ભેદ એલસીબીએ ચોર ટોળકીને ઝડપી ઉકેલી લીધો છે.