ભુજ, તા. 31 : મુંદરાનાં શિરાચાની કોલોનીની
ઓરડીમાં શરાબનો જથ્થો રાખી ગેરકાયદે વેચાણ કરતા ત્રગડીના શખ્સને રૂા. 1.10 લાખના શરાબના જથ્થા સાથે એલસીબીએ
ઝડપી લીધો હતો. આ શરાબનો જથ્થો કાંડાગરાનો ઈસમ આપી ગયોનું સામે આવ્યું છે. એલસીબીના
ઈન્ચાર્જ પીઆઈ એચ. આર. જેઠી, પીએસઆઈ
જે. બી. જાદવની સૂચનાનાં અનુસંધાને એ. એસ. આઈ. પ્રદ્યુમનસિંહ ગોહિલ, હે.કો. મૂળરાજભાઈ ગઢવી અને લીલાભાઈ દેસાઈ મુંદરા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં
હતા, ત્યારે પ્રદ્યુમનસિંહ તથા મૂળરાજભાઈને સંયુક્ત ખાનગી બાતમી
મળી હતી કે, શિરાચા કોલોનીની ઓરડી નં.-8માં શક્તિસિંહ જાડેજા (રહે. ત્રગડી, તા. માંડવીવાળો) ગેરકાયદેસર રીતે અંગ્રેજી પ્રકારના
શરાબનું વેચાણ કરે છે. આ બાતમીના પગલે એલસીબીએ બાતમીવાળી જગ્યાએ દરોડો પાડી શક્તિસિંહ
ભરતસિંહ જાડેજા (ત્રગડી)ને શરાબની અલગ-અલગ બ્રાન્ડની 166 બોટલ કિં. રૂા. 1,10,200 અને એક મોબાઈલ કિં. રૂા. 5000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો
હતો. આ દારૂનો જથ્થો તેને હરપાલસિંહ ગોહિલ (રહે. કાંડાગરા, તા. મુંદરા)વાળો આપી ગયાનું જણાવ્યું હતું.
આગળની કાર્યવાહી અર્થે મુદ્દામાલ સાથે આરોપીને મુંદરા પોલીસને સોંપતા મુંદરા પોલીસે
બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.