ભુજ, તા. 31 : ભુજની તરુણીને સોશિયલ મીડિયા
ઈન્સ્ટાગ્રામથી મસ્કાના યુવકે પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલ કરી ટુકડે-ટુકડે ચાર લાખ
પડાવ્યા હતા. અને બ્લેકમેઈલથી કંટાળી તરુણીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા આ સમગ્ર
બનાવ પ્રકાશમાં આવ્યો હતો. યુવતીના પિતાએ સાયબર ક્રાઈમ પોલીસમાં આરોપી મોહમ્મદ ઉમર
ધા અને તેના મિત્ર આદિલ કલર સામે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદની સંબંધિતો પાસેથી પ્રાપ્ત
વિગતો મુજબ સપ્તાહ પૂર્વે તરુણીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આથી તેને હોસ્પિટલમાં
સારવાર તળે ખસેડાઈ હતી અને સમયસર સારવાર મળતા જીવ બચી ગયો હતો. તરુણીએ ઈન્સ્ટાગ્રામ
પર આરોપી મોહમ્મદના સંપર્કમાં આવી હતી અને આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. એક દિવસ
આરોપીએ જણાવ્યું કે જો હું કહું તેમ તું નહીં કરે,
તો હું તારા ફોટો, વીડિયો વાયરલ કરી દઈશ અને તારા
પિતાને મારી નાખીશ. તરુણી પાસેથી ટુકડે-ટુકડે રૂપિયા પડાવ્યા અને ભુજ આવતો ત્યારે સાથે
તેનો મિત્ર આદિલ કલર પણ હતો. આ રીતે નાણા લેતો હોવાની આદિરનેય ખબર હતી. તરુણીનો ભાઈ
રૂપિયાના માંગણીના મેસેજ જોઈ ગયો હતો અને આરોપીને ઘર પાસે રૂબરૂ જોઈ ગયો હતો. બ્લેકમેઈલથી
કંટાળી તરુણીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ બ્લેકમેઈલ કરી ટુકડે-ટુકડે
ચાર લાખ તરુણી પાસેથી પડાવ્યાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે ખંડણી અને પોક્સો તળે
ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.