ગાંધીધામ, તા. 31 : રાપરનાં શાણપરમાં અગાઉના ઝઘડાનું
મનદુ:ખ રાખી પિતા-પુત્રએ લાકડી, ધોકા
વડે હુમલો કરતા બે લોકોને ઈજાઓ પહોંચી હતી. રાપરના શાણપરમાં રહેતા ગણપત તેજા કોળી અને
કમા ખેતા કોળી ગામની ભેંસો ચરાવે છે. સાતેક દિવસ પહેલાં અબોલ જીવ હરેશ મોતી કોળીનાં
ખેતરમાં જતાં કમા ખેતા તથા હરેશ કોળી વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારે
ફરિયાદી ગણપતે બંનેને છોડાવ્યા હતા. બાદમાં તા. 29/7ના આ બંને ભેંસ ચરાવી રહ્યા
હતા, ત્યારે પાણીના વોકળા પાસે હરેશ તથા તેના પિતા
મોતી રામા કોળી લાકડી, ધોકા લઈને ઊભા હતા આ શખ્સોએ કમા ખેતા કોળી
ઉપર અચાનક હુમલો કરતા ફરિયાદી છોડાવવા જતા તેમને પણ માર માર્યો હતો, જેમાં આ બંનેને ઈજાઓ પહોંચી હતી. ફરિયાદીને ભુજ લઈ જવાતા હાથમાં અસ્થિભંગ સહિતની
ઈજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.