• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

સામખિયાળી: પુષ્પા સ્ટાઈલમાં લઈ અવાતો 56.85 લાખનો દારૂ જપ્ત

ગાંધીધામ, તા. 31 : જિલ્લાના પ્રવેશદ્વાર સમાન સામાખિયાળીના ટોલ નાકા નજીક પુષ્પા સ્ટાઈમાં ટેન્કરમાં ચોરખાનું બનાવી કચ્છમાં ઘુસાડાતો અંગ્રેજી દારૂનો જથ્થો રાજ્ય સ્તરની એસ.એમ.સી.ની ટીમે ઝડપી પાડયો હતો. ટીમે આ કાર્યવાહી દરમ્યાન ટેન્કર ચાલકની અટક કરી વાહનમાંથી રૂા. 56,85,120નો શરાબનો જથ્થો હસ્તગત કર્યો હતો. કાર્યવાહી દરમ્યાન મુખ્ય બુટલેગરોના નામ બહાર આવ્યા હતા. સરહદી એવા આ જિલ્લામાં માંગો ત્યાં દારૂ મળી રહે છે. પશ્ચિમ કચ્છમાં કેરાના બુટલેગરનો દારૂ ઝડપાયા બાદ સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી. એસ.એમ.સી.ની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ બેડામાં સ્ટાફ સાફ સુફી કરવામાં આવી હતી. પરંતુ પૂર્વ કચ્છમાં આવી સાફ સુફી ન થતી હોવાનું સમજાય છે. અગાઉ પણ એસ.એમ.સી. એ પૂર્વ કચ્છમાં કાર્યવાહી કરી છે. પરંતુ તેમાં કોઈ સ્થાનિકોની જવાબદારી બેસાડીને કાર્યવાહી કરાઈ હોય તેવું જણાતું નથી. હાલમાં પણ માર્ગ પર કાર્યવાહી થઈ હોવાની કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા છે. રાજ્ય સ્તરની એસ.એમ.સી.ની એક ટીમ આજે કચ્છમાં હતી દરમ્યાન સામખિયાળી ટોલ નાકા પાસેથી પસાર થનાર ઈનોક્સ એર પ્રોડકટ્સ અને પાછળ ઓક્સિજન લિક્વીડ લખેલા ટેન્કરને અટકાવવામાં આવ્યું હતું. આ ટેન્કરની પાછળની ભાગે તપાસ કરાતા પાછળ ગુપ્તખાનું બનાવાયું હોવાનું બહાર આવ્યું હતું. આ ખાનાનું ઢાંકણું ખોલી ટેન્કરની અંદર જોવાતા તેમાં શરાબની પેટીઓ હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન ચાલક બાડમેર, સિંધરી રાજસ્થાનના વિંજારામ લચ્છારામ સિયાગ (જાટ)ને ઝડપી લેવામાં આવ્યો હતો. આ ટેન્કર નંબર જીજે-06-એઝેડ-5916ને  સામખીયાળી પોલીસ મથકે લઈ જઈ તેમાંથી કિંગફિશર બ્રાન્ડની પેટીઓ ઉતારાઈ હતી.  ટેન્કરમાંથી રૂ.56,85,120ના 24,192 બીયરના ટીન જપ્ત કરવામાં આવ્યા હતના. પકડાયેલા વિંજારામ પાસેથી બે મોબાઈલ, ઓકસીજન સીલીન્ડર, ટેન્કર એમ કુલ રૂ.82,05,360નો મુદામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. પકલાયેલા શખ્સની પુછપરછ દરમ્યાન આ માલ રાજસ્થાનના સીકર, ફતેહપુરના અનિલકુમાર ઉર્ફે પંડયા જગદીશ પ્રસાદ જાટ નામના શખ્સે મોકલ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ હેરાફેરીમાં તેને માણસ અર્જુન (રહે. અમદાવાદ) પણ સામેલ હતો. સામખીયાળી ખાતે માલ મંગાવનાર શખ્સનું નામ બહાર આવ્યું નહોતું. પકડાયેલા વિંજારામને રાજસ્થાનના પીંડવાડા ખાતે અજાણ્યા શખ્સે ટેન્કર આપ્યું હતું તેમજ ટેન્કર માલીક કોણ છે તે પણ બહાર આવ્યું નથી. એસએમસીની કાર્યવાહી બાદ આ એક ટેન્કર ઝડપાયું છે. ત્યારે કચ્છમાં કેટલો દારૂ ઘુસાડાતો હશે અને પીવાતો હશે તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા. હાલમાં ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં જાહેરમાં બેસીને બોટલમાંથી દારૂ પીતા શખ્સનો વિડીયોએ સોશિયલ મીડિયામાં ભારે ચકચાર જગાવી હતી. એસએમસીની કાર્યવાહી બાદ સામખીયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  

Panchang

dd