ભુજ, તા. 28 : વર્ષ
2008માં
અબડાસાના જખૌ બાજુ ખાનગી કંપની દ્વારા પવનચક્કીઓ લગાવવાની કામગીરી દરમ્યાન કંપની
સાથે થયેલી કરોડોની ઉચાપત અંગે જે-તે સમયે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.
છેલ્લાં 17 વર્ષથી આ કેસનો નાસતો-ફરતો આરોપી 55 વર્ષીય
રાધેક્રિષ્ના રામઅવતાર યાદવ (બિહાર)ને વડોદરાથી જખૌ પોલીસે ઝડપી લીધો છે. આ અંગે
જખૌ પોલીસના ઇન્ચાર્જ પી.આઇ. ડી.પી. ચુડાસમા પાસેથી આ 17 વર્ષ
જૂના કેસની મળેલી વિગતો મુજબ વર્ષ 2008માં સુઝલોન કંપનીની જખૌ
વિસ્તારમાં ચાલતી કામગીરી દરમ્યાન કંપનીના તેમજ અન્ય મળતિયાઓ સાથે મળી ખોટાં બિલો
બનાવી કરોડોની કંપની સાથે ઉચાપત કરતાં જે-તે સમયે ગુનો નોંધાયો હતો. આ ગુનાના 11 આરોપીની
અગાઉ ધરપકડ થઇ ગઇ હતી. હાલ આ કેસની નલિયાની કોર્ટમાં ટ્રાયલ ચાલુ છે. આ કેસનો
આરોપે રાધેક્રિષ્ના યાદવ (બિહાર) પકડથી દૂર હોઇ ટ્રાયલમાં વિલંબ થતો હતો. આથી ઉપરી
અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન તળે આરોપીને પકડવા શ્રી ચુડાસમાએ ટીમ બનાવી હતી.
ટીમના એ.એસ.આઇ. અનિરુદ્ધસિંહ જાડેજા,
વીરેન્દ્રસિંહ જાડેજા, હે.કો. પ્રવીણભાઇ ગોહિલ,
કોન્સ. રાહુલભાઇ કલોત્રાએ આરોપીની અટક અર્થે તેના મોબાઇલ નંબર અને
આધારકાર્ડની વિગતો મેળવી એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એચ.આર. જેઠીનાં માર્ગદર્શન હેઠળ
ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન બિહારમાં આવતું હતું અને લોકેશન સતત
વોચમાં રખાયું હતું. આરોપી રાધેકૃષ્ણ યાદવ તેના માતા-પિતાને મળવા વડોદરા આવતાં જખૌ
પોલીસે વડોદરા જઇ આરોપીની અટક કરી કાર્યવાહી કરી છે.