ગાંધીધામ, તા. 27 : અંજાર તાલુકાના એક ગ્રામ્ય
વિસ્તારમાં પિતા પોતાની બે બાળકીઓને મૂકીને જતા રહેતાં 181ને જાણ કરાઇ હતી. અભયમ્ તથા
અંજાર પોલીસે દોડધામ આદરી પિતાને શોધીને બાળકીઓ પરત સોંપી હતી. અંજાર તાલુકાના એક ગામમાંથી
અભયમને જાગૃત નાગરિકનો ફોન આવ્યો હતો અને રસ્તા પર બે નાની બાળકી મળી આવવાની વાત કરી
હતી. 181ની ટીમ ત્યાં જતાં એક મહિલાએ
જણાવ્યું હતું કે, પોતે હોટેલ
પાસે પાણી ભરવા જતાં એક અજાણ્યો પુરુષ આ બે બાળકીઓને થોડીવાર રાખવા તથા પોતે થોડીવારમાં
જ આવી જશે તેવી વાત કરતાં મહિલાએ બાળકીઓને પોતાની પાસે રાખી હતી, પરંતુ બાળકીઓના પિતા પરત ન આવતાં મહિલા આ બંને બાળકીઓને ઘરે જઇ પોતાની સાથે
રાખી હતી. બાદમાં કોઇ પરત ન આવતાં મહિલાએ આ વાત કંપનીના માલિકને કરી હતી. તેમણે અભયમ્માં
ફોન કર્યો હતો. 181ની ટીમ અને
અંજાર પોલીસ કુમળી બાળકીઓના પિતાને શોધવા વ્યાયામ આદર્યો હતો. આ બાળકીઓ નાની ઉંમરની
હોવાથી પોતાનું નામ, સરનામા,
પિતાનું નામ કે એવી કોઇ માહિતી આપી શકતી નહોતી. બંનેને અંજાર મહિલા કલ્યાણ
કેન્દ્રમાં મૂકવામાં આવી હતી. અંજાર પોલીસે ટેકનિકલ સોર્સના આધારે બાળકીઓના પિતાને
શોધી કાઢયા હતા. આ શ્રમિકે પત્ની રિસામણે હોવાથી
અને પોતે કેફી દ્રવ્યોનું સેવન કર્યું હોવાથી ભારે તાણમાં આવી જઇ બાળકીઓને મહિલા પાસે
મૂકી દીધી હોવાનું જણાવ્યું હતું. બાળકીઓને પિતા આવી જતાં 181 અને પોલીસે હાશકારો અનુભવ્યો
હતો. 181ની ટીમે અ પરિવારના પુનરાગમન
માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ટીમના નિરૂપાબેન બારડ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ
ચંદ્રિકાબેન ઠાકોર તથા અંજાર પોલીસ આ કાર્યવાહીમાં જોડાઇ હતી.