• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

નાડાપા નદીમાં માલધારીનો પગ લપસતાં ગરક

ભુજ/ગાંધીધામ, તા. 26 : તાલુકાના નાડાપામાં નદીમાં ગામના માલધારી એવા 45 વર્ષીય આધેડ બેચરાભાઈ લખમીરભાઈ રબારીનું ચીકણી માટીમાં પગ લપસતાં નદીનાં ઊંડાં પાણીમાં ગરક થઈ જતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અંજારમાં અજાણ્યાં વાહનની હડફેટે ચડેલા 45 વર્ષીય અજાણ્યા પુરુષનું મૃત્યુ થયું હતું. ગાંધીધામમાં સીડી ઉપરથી પડી જવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત  નેપાલી ભાનુસિંહ ઠાકુર (ઉ.વ. 58)નું મૃત્યુ થયું હતું. નાડાપાના કરુણ બનાવ અંગે પદ્ધર પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ નાડાપાના બેચરાભાઈ તેમના દીકરા, મોટાભાઈ તથા ભત્રીજા સાથે ઘેટાં-બકરાં ચરાવા ગયા હતા અને બપોરે 11 વાગ્યા આસપાસ ગામની નદીની કોતરોમાં ઘેટાં-બકરાંને નવડાવી બેચરાભાઈ પોતાના હાથ-પગ ધોવા જતાં નદી કિનારે ચીકણી માટીમાં તેનો પગ લપસી જતાં તે નદીનાં ઊંડાં પાણીમાં અકસ્માતે પડી ગયા હતા. બેચરાભાઈ પાણીમાં પડતા સાથે પરિજનો બેબાકળા બની ગયા હતા અને મદદ માગી હતી. ભુજની ફાયર ટીમને કોલ આવતાં ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને વોટર રેસ્ક્યૂનાં સાધનોની મદદથી ડૂબેલા બેચરાભાઈની લાશ બહાર કાઢી હતી. બીજી તરફ દેવળિયા નાકા પાસે ગત તા. 12/7ના  12.30 વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો. અજાણ્યા વાહનચાલકે બેદરકારીપૂર્વક   વાહન ચલાવીને 45 વર્ષીય પુરુષને ટક્કર મારી હતી, જેમાં અજાણ્યા પુરુષને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં તેમને વધુ સારવાર  માટે અમદાવાદ સિવિલ  હોસ્પિટલ ખાતે મોકલાયા હતા. અહીં ચાલુ સારવાર દરમ્યાન  તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.  અમદાવાદ સરકારી હોસ્પિટલના તબીબે ગત તા. 24/7ના તેમને સત્તાવાર રીતે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે. અકસ્માત મોતનો વધુ એક બનાવ ગત તા. 24/5ના  રાત્રિના દશેક વાગ્યાના અરસામાં જવાહરનગર પંચરત્ન માર્કેટની પાસે સ્ટારગોલ્ડ કંપનીમાં બન્યો હતો. મૃતક નેપાલી ભાનુસિંહ ઠાકુર કોઈ પ્રકારે સીડી ઉપરથી નીચે પડયા હતા. તેમને સ્થાનિકે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. અહીં ચાલુ સારવાર દરમ્યાન ગત તા. 29/7ના 1.34 વાગ્યાના અરસામાં તેમણે આંખો મીંચી લીધી હતી.  સમગ્ર મામલે પોલીસે વધુ છાનબીન આરંભી છે.  

Panchang

dd