ભુજ, તા. 25 : જે-તે સમયે વાયોર પોલીસમાં
લોક રક્ષક તરીકે ફરજ બજાવતા આરોપી મયૂરસિંહ અજીતસિંહ સોઢા લાંચના છટકામાં સપડાયા હતા, આ લાંચના કેસમાં આરોપી મયૂરસિંહને પાંચ વર્ષની સખત કેદ તથા રૂપિયા દશ હજારના દંડની
સજા ફટકારી ધાક બેસાડતો ચૂકાદો અદાલતે આપ્યો છે. આ કેસની વિગતો મુજબ આરોપી મયૂરસિંહે દેશી
દારૂ ગાળવાની ભઠ્ઠીનો કેસ ન કરવા 15 હજાર માંગયા હતા. તે પૈકી ફરિયાદીએ 8000 આપ્યા'તા અને બાકીના 3000ની લાંચની રકમ આપવા આરોપી ફરિયાદીને
વારંવાર ફોન કરતો હતો. જેનો ફરિયાદીએ મોબાઇલમાં રેકોર્ડિંગ કરી લીધો હતો. અને ફરિયાદી
લાંચ આપવા માંગતો ન હોવાથી એ.બી.સી. પોલીસમાં ફરિયાદ આપવા છટકું ગોઠવાયું હતું. આ છટકામાં
પંચની હાજરીમાં આરોપીએ રૂા 4000 સ્વીકારી
લીધા હતા અને આરોપી મયૂરસિંહને શક પડતા સ્વીકારેલર નોટોનો નાશ કરવા પોતાના મોઢામાં
ચાવી ગયો હતો. સ્વીકારેલી નોટો વાયોર પીએચસીના તબીબની રૂબરૂ મોઢામાંથી બહાર કઢાવી નોટો
કબજે લેવામાં આવી હતી. આ ચકચારી કેસ ડિસ્ટ્રીક સેશન્સ જ્જ ડી.પી. મહીડાની અદાલતમાં
ચાલી જતા ફરિયાદ પક્ષે 37 દસ્તાવેજી
પુરાવા તથા સાત સાક્ષી તપાસી જુદી-જુદી કલમોમાં આરોપી મયૂરસિંહને તકસીરવાન ઠેરવી પાંચ
વર્ષની સખત કેદ તથા પાંચ-પાંચ હજાર એમ 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક-એક મહિનાની સજા આપતો હુકમ
કર્યો હતો. ફરિયાદ તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહી સાક્ષી તપાસ્યા
હતા અને દલીલો કરી હતી.