• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

આંબાપરમાં બે પક્ષ વચ્ચે મારામારી : છ લોકો ઘવાયા

ગાંધીધામ, તા. 25 : અંજાર તાલુકાના આંબાપર ગામમાં બે પક્ષ વચ્ચે પાઇપ, ધોકા, ધારિયા વડે મારામારી થતાં બંને પક્ષે છ લોકોને ઇજાઓ પહોંચી હતી. આંબાપરના નીલકંઠ નગરમાં રહેતા ફરિયાદી શંભુ દેવદાન બકુત્રા (આહીર) તા. 23/7ના બપોરે ઘરે આવતાં તેમની પત્નીએ દીકરી નિયતિ રમતી હતી ત્યારે રવજી વસ્તા ખાટરિયા છકડો લઇને નીકળ્યો હતો અને છોકરીને સંભાળીને રાખ, ક્યાંક છકડામાં આવી જશે તેમ કહેતાં ઝઘડો થયો હતો. બાદમાં રાત્રે રવજી ખાટરિયાએ આ મુદ્દે સમાધાન કરવા બોલાવ્યા હતા ત્યારે ફરિયાદી, ચોથા ધમા બકુત્રા, મહેશ ચોથા, નિલેશ ચોથા ત્યાં જતાં આરોપી રવજી ખાટરિયા, શામજી વસ્તા, શિવજી શામજી, હર્ષિદ શામજી, સતીષ ખીમજી, હિંમત રવજી, ઉત્તમ રવજી અને ધ્રુવ ખીમજી ખાટરિયાએ લોખંડના પાઇપ, ધારિયું, ધોકા વડે હુમલો કરતાં આ ચારેય ઘવાયા હતા જેમાં મહેશને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બીજીબાજુ રવજી વસ્તા ખાટરિયા (આહીર)એ શંભુ દેવદાન, ચોથા ધમા, મહેશ ચોથા અને નિલેશ ચોથા બકુત્રા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી બપોરે તળાવની સીડી પર બેઠા હતા ત્યારે શંભુ ત્યાં આવી ગાળાગાળી કરી હતી. બાદમાં રાત્રે ઘર બહાર આવી ગાળાગાળી, ધાકધમકી કરી હતી. બાદમાં તેણે આ મુદ્દે પતાવટ કરવા ફરિયાદીને ફોન કર્યો હતો. ફરિયાદી અને તેમના ભાઇ શામજીભાઇ ત્યાં ગયા હતા ત્યારે આ શખ્સોએ પાઇપ-ધોકા વડે બંને ભાઇ ઉપર હુમલો કર્યો હતો જેમાં બંનેને ઇજાઓ થતાં સારવાર અર્થે લઇ જવાયા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd