ગાંધીધામ, તા. 25 : અંજાર તાલુકાના મોટી ખેડોઇ
ગામમાં ગેરકાયદે ધંધાઓ અંગે કહેતા કળિયુગી પુત્રએ
પોતાના માતા-પિતાને માર માર્યો હતો. મોટી ખેડોઇમાં રહેતા ફરિયાદી કાનજી બિજલ
થારૂ (મહેશ્વરી)એ વરસામેડીમાં રહેતા પોતાના મોટા દિકરા રમેશને ફોન કરી મંગા જુમા થારૂ અને તું ગેરકાયદે ધંધાઓ કરો છો તે સારું કામ નથી તેમ
કહેતાં આ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો. અને ગાળાગાળી કરી ફોન કટ કરી ખેડોઇ આવ્યો હતો, જ્યાં પોતાના પિતા એવા ફરિયાદી ઉપર ધોકા વડે
હુમલો કર્યો હતો. બીજા દિવસે તા. 24/7ના ફરિયાદીએ ફરીથી ફોન
કરી ઠપકો આપતાં આ શખ્સ ફરીથી ખેડોઇ આવ્યો હતો. ફરિયાદી ઘરે હાજર ન હોવાથી આ શખ્સે પોતાની
માતાને માર માર્યો હતો. આ બનાવથી લાગી આવતા ફરિયાદીએ ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર અર્થે અંજાર
સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યાં પણ આ શખ્સ માથાકૂટ કરવા આવ્યો હતો. તેના ઉપર ફરિયાદ
ન કરાય તે માટે તેણે પણ ફિનાઇલ પીવાનું નાટક કર્યું હોવાનું તેની સામે નોંધાવેલ ફરિયાદમાં
જણાવાયું હતું. બનાવ અંગે ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.