• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

એક કરોડની છેતરપિંડીની ફરિયાદ સ્થગિત

ભુજ, તા. 25 : શહેરની સોના-ચાંદીના વેપારની જાણીતી પેઢી કે.જે. જ્વેલર્સના ભાગીદાર ભાઇઓ વચ્ચે છેલ્લાં ત્રણેક વર્ષથી ચાલતી 13.5 કરોડની ચોરી સહિતના ચર્ચાસ્પદ મામલા વચ્ચે હાલમાં ભાગીદારને તેના ભાગના એક કરોડ ન આપી ઠગાઇ અને વ્યાજખોરી સંબંધે બે વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ સામે પિટિશન દાખલ કરાતાં હાઇકોર્ટે ફરિયાદ સ્થગિત કરવા અને ચાર્જશીટ દાખલ ન કરવા હુકમ કર્યો છે અને આ ઉપરાંત અન્ય આરોપીનાં આગોતરા જામીન ભુજ કોર્ટે મંજૂર કર્યાં છે. વર્ષ 2022થી પેઢીના બંને ભાગીદારની તકરાર આર્બિટેશન પાસે ચાલુમાં હોવા છતાં વર્ષ 2016નો હવાલો આપી જયેશ પ્રેમજી સોલંકી દ્વારા 10 વર્ષ બાદ તેમના મોટાભાઇ કિશોર અને આર્બિટેશન કેસના સાહેદ ભરત નાનાલાલ બુદ્ધભટ્ટી ઉપર વિશ્વાસઘાત-વ્યાજખોરીની ફોજદારી ફરિયાદ થોડા દિવસ પૂર્વે નોંધાવતાં કિશોરભાઇ સોલંકી દ્વારા આ ફરિયાદ રદ કરવા વિગતવારની પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં કરી અને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં ન આવે તેવી માગણી કરી હતી. બંને પક્ષને સાંભળી હાઇકોર્ટ દ્વારા આ ફરિયાદના અનુસંધાને આગળની કાર્યવાહી સ્થગિત કરવી અને ચાર્જશીટ ન કરવી તેવો હુકમ ફરમાવ્યો છે. આ ઉપરાંત આર્બિટેશન કેસના સાહેદ ભરત બુદ્ધભટ્ટી સામે પણ ગુનો નોંધાતાં તેમણે ભુજની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરતા તેમના આગોતરા જામીન મંજૂર કરાયાં છે. હાઇકોર્ટ સમક્ષ ફોજદારી ફરિયાદ રદ કરાવવા કિશોરભાઇ તરફે જાલ ઉનવાલા કાઉન્સિલ તરીકે તથા વરિષ્ઠ ધારાશાત્રી પી. પી. મજમુદાર, મૃગેશભાઇ બારોટ હાજર રહ્યા હતા તેમજ આગોતરા જામીન સંબંધે વરિષ્ઠ ધારાશાત્રી ડી. વી. ગઢવી, વાય. વી. વોરા, અતુલ નેમચંદ મહેતા, એચ. કે. ગઢવી તથા એસ. એસ. ગઢવી હાજર રહ્યા હતા. 

Panchang

dd