ગાંધીધામ, તા. 23 : તાલુકાના કિડાણામાં રહેનાર
એક યુવતીને સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી લગ્નના વાયદા કરી બાદમાં પોતે પરિણીત હોવાનું
અને ધાક-ધમકી કરતા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. સોશિયલ મીડિયા ફેસબુક ઉપર એક
યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી શ્યામ નામના શખ્સે તેની સાથે મિત્રતા કેળવી હતી. આ
બંને એક બીજા સાથે ચેટ કરતા ત્યારે આ શખ્સે પોતે તારા જ સમાજનો હોવાની વાત કરી હતી.
યુવતીને ભરોસો આપતા બંને વચ્ચે સોશિયલ મીડિયા થકી પ્રેમ થયો હતો. બંને એક બીજાને વીડિયો
કોલ પણ કરતા હતા. યુવતીએ લગ્નની વાત કરતાં ઘરે પૂછીને લગ્ન કરીશ તેવું આ શખ્સે જણાવ્યું
હતું. બાદમાં તેણે યુવતીને મેસેજ કરવાનું ઓછું
કરી નાખ્યું હતું. ભોગ બનનારે માંડવીના બાડા
ગામે તપાસ કરતા તે ત્યાંનો નહીં પણ મોટી ઉનડોઠનો હોવાનું બહાર આવ્યું હતું. યુવતી તેના
ઘર બહાર પહોંચી તેને ફોન કરતાં બીકના માર્યા આ શખ્સે બીજા દિવસે માંડવી બીચ ઉપર બોલાવ્યા
હતા, બીજા દિવસે યુવતી માંડવી જતાં આ શખ્સ પોતાના
સમાજનો નહીં, પણ શામરા ઉર્ફે શ્યામ માલશી ગઢવી હોવાનું બહાર આવ્યું
હતું. તેમજ પોતે પરિણીત હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સે યુવતી સાથે મિત્રતા રાખી
દગો કર્યો હતો. હવે સંબંધ નથી રાખવો, આ વાત કોઇને કરજે નહીં તેમ
કહી ઉશ્કેરાઇ જઇ યુવતીને લાફા ઝીંકી દીધા હતા. આ વાત ક્યાંય ન કરતી નહીંતર ગળેટૂંપો
દઇને સીમાડામાં દાટી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી
હાથ ધરી છે.