ગાંધીધામ, તા. 8 : રાજ્ય
સરકારના 100 કલાકના આદેશ
બાદ પૂર્વ કચ્છ પોલીસે 1900 જેટલા
અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરી અનેક માથાભારે શખ્સોનાં વીજ જોડાણ કાપી બિનઅધિકૃત
દબાણો તોડી પાડયાં હતાં, જેનાં કારણે આવાં તત્ત્વોમાં ફફડાટ
પ્રસર્યો હતો, તેવામાં રાપર તાલુકાના આડેસર નજીક હાઇવે પટ્ટીના
વિસ્તારમાં ત્રણ માથાભારે શખ્સનાં બિનઅધિકૃત કુલ 8200 ચો. ફૂટ દબાણો તોડી પડાતાં આવાં તત્ત્વોમાં સોપો પડી
ગયો હતો. રાજ્ય સરકારના આદેશ બાદ પૂર્વ કચ્છ પોલીસે કમર કસી લીધી હતી અને કાર્યવાહીની
શરૂઆત સામખિયાળીથી કરવામાં આવી હતી. બાદમાં અંજાર, ગાંધીધામ,
બી-ડિવિઝન, આદિપુર, આડેસર,
રાપર, દુધઇમાં કાર્યવાહી પૂર્ણ કરાઇ હતી,
પરંતુ હજુ અમુક પોલીસ મથકોમાં અસામાજિક તત્ત્વો ન હોય તેમ કોઇ કાર્યવાહી
જણાતી નથી. આડેસરમાં રહેતા અનવર અયુબ હિંગોરજા વિરુદ્ધ આડેસર પોલીસ મથકે હત્યાની કોશિશ,
બળાત્કાર, અપહરણ, આર્મ્સ
એક્ટ, એટ્રોસિટી, દારૂ સહિતની કલમો તળે
16 ગુના નોંધાયેલા છે. આ શખ્સે સરકારી
જમીન ઉપર નવ ઓરડી, ચાર બાથરૂમ, એક રૂમ તથા દુકાન બનાવી
દબાણ કર્યું હતું. નજરમામદ અયુબ હિંગોરજા સામે હત્યાની કોશિશ, બળાત્કાર, મારામારી, અપહરણ,
ગેરકાયદે ખનિજની હેરાફેરી સહિતના છ ગુના નોંધાયેલા છે. આ શખ્સે સોઢા
કેમ્પ વિસ્તાર એકલવાંઢમાં સરકારી જમીન ઉપર પાકું બાંધકામ, દીવાલ
બનાવી દબાણ કર્યું હતું તેમજ બાલા રૂપા કોળી નામના શખ્સ વિરુદ્ધ દારૂ સંબંધી 21 ગુના આડેસર પોલીસ મથકે નોંધાયેલા છે. આ શખ્સે સરકારી
જમીનમાં પાકું બાંધકામ કરી દબાણ કર્યું હતું. સ્થાનિક પોલીસે ત્રણેયનાં નામ અસામાજિક
તત્ત્વોની યાદીમાં નાખી બાદમાં ગ્રામ પંચાયતના તલાટીએ ત્રણેયને નોટિસ આપી હતી. દરમ્યાન
આ લોકોએ ભચાઉ કોર્ટમાં દબાણ ન હટાવવા દાવો કર્યો હતો, જેમાં ન્યાયાધીશે બંને પક્ષને સાંભળી, આધાર-પુરાવા ચકાસી
તેમની મનાઇ અરજી રદ કરવામાં આવી હતી. આ આદેશ બાદ પોલીસે કમર કસી હતી અને પૂરતા બંદોબસ્ત
સાથે આજે આ સરકારી જમીન ઉપર પહોંચી હતી અને અહીંથી અનવર હિંગોરજાએ 3500 ચો. ફૂટ, નજરમામદનું 4500 ચો. ફૂટ અને બાલા કોળીનું 200 ચો. ફૂટનું કરેલ બાંધકામ તોડી પાડી સરકારી જમીન ખાલી
કરાવી હતી. આ વેળાએ આડેસર પી.આઇ. જે. એમ. વાડા તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. પોલીસની
આવી કામગીરીનાં પગલે આવા તત્ત્વોમાં રીતસર ફફડાટ પ્રસર્યો હતો.