ભુજ, તા. 4 : આગામી મહોરમના તહેવારના અનુસંધાને
જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કોમી એખલાસ અને ભાઈચારો જળવાઈ, તેમજ સુલેહશાંતિનો ભંગ ન થાય તે હેતુથી પશ્ચિમ
કચ્છ પોલીસ દ્વારા અગાઉ ગુનાખોરીમાં સંડોવાયેલા આરોપીઓને સમજ આપવા સાથે રીઢા ગુનેગારો
સામે અટકાયતી પગલાં લેવાયાં હતાં. પોલીસે આપેલી વિગતો મુજબ, ભુજ
શહેર એ તથા બી-ડિવિઝન તેમજ નખત્રાણા પોલીસ મથકમાં અગાઉ 10 વર્ષમાં શરીર સંબંધી ગુનાઓમાં
સંડોવાયેલા હોય તેવા આરોપીઓને પોલીસ મથકે બોલાવાયા હતા, જે અન્વયે એ-ડિવિઝન પોલીસ મથક ખાતે 90 આરોપી, બી-ડિવિઝન પોલીસ મથક ખાતે 40 આરોપી અને નખત્રાણા પોલીસ મથક
ખાતે 31 આરોપીને બોલાવાયા હતા. આ તમામ
આરોપીને આગામી મોહરમ તહેવારમાં સુલેહશાંતિ જાળવી રાખવા તેમજ કોઈપણ પ્રકારનો વિક્ષેપ
ઊભો ન કરવા સમજ અપાઈ હતી. તે પૈકી 20 ઈસમ સામે અટકાયતી પગલાં લેવાયાં હતાં. તે ઉપરાંત તાજિયા જુલૂસના
રૂટ પર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ પેટ્રોલિંગ કર્યું હતું સાથોસાથ હાલના વરસાદી
માહોલમાં કોઈ વીજવાયર કે વીજ થાંભલામાં ઈલેક્ટ્રીક શોક થતો નથી તેની ખાતરી કરવા પીજીવીસીએલની
ટીમને સાથે રાખી ખરાઈ કરાઈ હતી, જ્યારે
ગ્રામ પંચાયત તથા નગરપાલિકા સાથે સંકલન કરી તાજિયા મહોરમના રૂટને યોગ્ય રીતે જાળવણી
કરાવવાની કામગીરી પણ કરાઈ હતી.