અંજાર, તા. 19 : અંજાર તાલુકાના સતાપર ગામે
આવેલા નાની સિંચાઈ ડેમમાંથી અનામત પાણીનો જથ્થો ખેતી માટે મુક્ત કરવાની સિંચાઈ વિભાગ
દ્વારા મંજૂરી આપવામાં આવતા સતાપર સહિત આસપાસના વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી
છે. આ નિર્ણયથી ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે પૂરતું પાણી મળી રહેશે, સાથોસાથ કચ્છની સૌથી મોટી સતાપર પાંજરાપોળ અને
અંજાર પાંજરાપોળની ગૌશાળામાં નિભાવાતા ગૌવંશ માટે ઘાસચારાના ઉત્પાદનમાં પણ મોટી રાહત
થશે.ખેડૂતોની રજૂઆતને પગલે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે જળસંપત્તિ મંત્રી ઈશ્વરભાઈ
પટેલ, સિંચાઈ વિભાગના ચીફ ઈજનેર શ્રી ત્રિવેદી અને કચ્છ કલેક્ટર
સમક્ષ રજૂઆત કરી હતી. જેના ફળસ્વરૂપે ઈન્ચાર્જ ડેપ્યુટી ઈજનેર કપિલ ગઢવીએ સતાપર ખાતે
રૂબરૂ હાજર રહી પાણી મુક્ત કરવાની જાણકારી આપી હતી અને પાણીનો કરકસરપૂર્વક તથા વારાફરતી
ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આ નિર્ણયથી સત્તાપર ગામ સહિત આસપાસના ખેડૂતોને શિયાળુ
પાકના વાવેતર માટે પાણી મળશે તેમજ અંજાર પાંજરાપોળની ગૌશાળાને પણ ઘાસચારાના ઉત્પાદન
માટે પાણી મળતા ગૌ વંશ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા મોટી રાહત મળશે. સતાપરના ખેડૂતો
અને ગ્રામજનોએ આ નિર્ણય બદલ પૂર્વ મંત્રી, પાણી પુરવઠા મંત્રી, વહીવટી તંત્ર અને પ્રશ્નને વાચા આપનાર 'કચ્છમિત્ર'
દૈનિકનો આભાર વ્યક્ત કર્યો હતો.