ભુજ, તા. 19 : થોડા દિવસો પહેલાં માધાપરના
ગોકુલધામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂા. 1.50 લાખના સોનાંના દાગીનાનો હાથ માર્યો હતો. આ ચોરીનો ભેદ એલસીબીએ
ઉકેલી લીધો છે. ચોરાઉ મુદ્દામાલ ઉપરાંત સોનાંના ઢાળ મળી કુલ્લે રૂા. 8,40,130ના મુદ્દામાલ સાથે ભુજના બે
રીઢા ચોરને ઝડપી લીધા છે. જ્યારે આ કામના અન્ય એક આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા
છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ માધાપરની ચોરીનો શંકાસ્પદ ઇસમ સુનીલ કૈલાશભાઇ
દેવીપૂજક (રહે. રામનગરી-ભુજ) જે અગાઉ પણ ઘડફોડ ચોરીમાં આવી ચૂક્યો છે, તે હાલે કમલની દુકાન પાસે હાજર છે. આથી એલસીબીએ
સુનીલ અને આનંદ મુકેશભાઇ દેવીપૂજક (રહે. ભુજિયા રિંગ રોડ-ભુજ)ને ચોરાઉ સોનાંના દાગીના,
ઢાળ અને એક મોબાઇલ કિં.રૂા. 5000 એમ કુલ્લ રૂા. 8,40,130ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે આ જ કામના અન્ય આરોપી
એવા રહે સર્વા મંડપ-ભુજના મનસુખ હરેશભાઇ પરમાર (દેવીપૂજક)ને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન
કર્યા છે. ઝડપાયેલા સુનીલ અને આનંદનો ગુનાહિત ઇતિહાસ ખરડાયેલો છે. બંને વિરુદ્ધ ચોરી
અને મારામારીના એક કરતાં વધુ ગુના પોલીસ મથકોએ દાખલ થયેલા છે. આ કામમાં એલસીબીના પીઆઇ
એ. એમ. મકવાણા, પીએસઆઇ જે. બી. જાદવ,
એમ. એચ. શિણોલ, એએસઆઇ સુરેન્દ્રસિંહ ઝાલા,
અનિરુદ્ધસિંહ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ રાવલ,
સુનીલભાઇ પરમાર, હે.કો. રાજેન્દ્રસિંહ રાઠોડ,
નવીનકુમાર જોશી, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઇ ગઢવી જોડાયા હતા.