માંડવી, તા. 19 : ગઢશીશામાં 14મા નાણાપંચ બચત ગ્રાન્ટ અંતર્ગત મંજૂર થયેલી
પાણીની લાઇનનું એક લાખવાળું કામ રજૂ થયેલા અહેવાલો અને આધાર-પુરાવા નજરે સ્પષ્ટ માલૂમ
પડયું હોવાનું માંડવી તાલુકા વિકાસ અધિકારીએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યું
હતું. ટીડીઓએ 16 નવેમ્બરના આપેલા અભિપ્રાયમાં
જણાવ્યું હતું કે, નિયત જગ્યાના
બદલે અન્યત્ર કામ થયાનું દર્શાવાયું છે પણ કામની જગ્યામાં થયેલા ફેરફાર બાબતે રેકર્ડ
પર કોઇ ઠરાવ કે નોંધ થઇ નથી. સરપંચ અને તલાટી સહમંત્રી દ્વારા પોતાની મેળે પૂર્વ મંજૂરી
વિના સ્થળ ફેરફાર કર્યો છે તે તેમની બેદરકારી દર્શાવે છે. આ બાબતોને ધ્યાને લઇ સરપંચ
કોમલબેન ગોસ્વામી અને તત્કાલીન તલાટી સહમંત્રી ડી. આર. સોઢા વિરુદ્ધ કાર્યવાહી થવા
સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. આ સંદર્ભે ફરિયાદ અરજદારો જયેશ છાભૈયા (ઉપસરપંચ),
ભરત પંડયા અને અનિલભાઇ મોતા (બાગ)એ કરી હતી. દરમ્યાન તા. 22-9ના ટીડીઓએ નાયબ ડીડીઓને અરજદાર
પ્રદીપકુમાર પંડયા અને હરેશભાઇ રંગાણીની રજૂઆત મુજબ મિલકતો ગઢશીશા ગ્રા.પં. આકારણી
રજિસ્ટરમાં જાહેરનામાં મુજબ દાખલ થઇ નથી તેવું રેકર્ડ અને વિ.અ.પં. ગઢશીશા-3ના અહેવાલ પરથી માલૂમ પડે છે તેથી સરપંચ
અને તલાટી સહમંત્રીની બેદરકારી દર્શાઇ આવે છે. ઉપરાત સરપંચના પતિ દ્વારા દબાણવાળી મિલકત
ભાડે રખાઇ છે તે દબાણને આડકતરી રીતે પ્રોત્સાહન આપનારું કૃત્ય હોવાનું નાયબ ડીડીઓને
માંડવી ટીડીઓએ જણાવ્યું હતું.