• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

અભયારણ્યમાંથી મુક્તિ મળતાં જ ઉસ્તિયામાં વીજળીના દ્વાર ખુલ્યાં...

કપિલ જોશી દ્વારા : નલિયા, તા. 5 : અબડાસા તાલુકાના ઉસ્તિયા ગામના ખેડૂતો માટે સાત દાયકા લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. અગાઉ ઉસ્તિયા અને બાંડિયા ગામનો સમાવેશ ઘોરાડ અભયારણ્ય વિસ્તારમાં થતો હોવાથી ખેતીવાડી વીજ જોડાણ પર પ્રતિબંધ હતો. જો કે, લાંબા સમયની રજૂઆતો બાદ આ વિસ્તારને અભયારણ્યમાંથી બાકાત કરવામાં આવતાં જ પ્રથમ તબક્કે 18 જેટલા ખેડૂતોને વીજ કનેક્શન ફાળવવામાં આવ્યાં છે. આ ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે ગામના પુનાગ્રી માતાજી મંદિર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં પીજીવીસીએલ અને અન્ય વિભાગના અધિકારીઓનું ગ્રામજનો દ્વારા પુનાગ્રી માતાજી મંદિરે સન્માન કરવામાં આવ્યું હતું અને ઉસ્તિયા ગામે આવેલ `કે. કે. ફાર્મ' ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં વીજ મીટર લગાવી, કનેક્શન જોડી અને પાણીની મોટર ચાલુ કરીને વીજ પુરવઠાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નલિયા પીજીવીસીએલના જે.એન. ઠાકરે જણાવ્યું હતું કે, હવે ખેડૂતોને મોંઘાં ડીઝલ કે અન્ય ઈંધણ વાપરવાની જરૂર નહીં પડે. વીજળી મળવાથી ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કાજરી સંસ્થાના ડો. મનીષ કાવંટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, પ્લાસ્ટિકનો ત્યાગ અને સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા જમીનની ફળદ્રુપતા ચકાસીને ઓછા ખર્ચે વધુ પાક લેવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ગામના ખેડૂત કનૈયાલાલ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, અભયારણ્યમાંથી ગામ મુક્ત થવું અને વીજળી મળવી એ ખેડૂતો માટે નવું જીવન મળવા સમાન છે. મુંબઈથી આવેલા અગ્રણી કરસનભાઈ દામાએ પીજીવીસીએલ અને સરકારના હકારાત્મક અભિગમને બિરદાવતાં કહ્યું કે, 70 વર્ષ બાદ ખેતરોમાં વીજળીનો ઝળહળાટ જોવા મળી રહ્યો છે. વધુમાં તેમણે માહિતી આપી હતી કે, ગામમાં નર્મદાની પાઇપલાઇનનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, જે 2017 સુધીમાં પૂર્ણ થતાં ડેમો અને તળાવો ભરાશે અને ખેડૂતોને બમણો ફાયદો થશે. અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રાસિંહ જાડેજા, પીજીવીસીએલ નખત્રાણા વિભાગના બી. એન. બાવા, ભુજ નાબાર્ડના નીરજકુમાર સિંઘ, અરજણભાઈ, મોહનભાઈ, હરજીભાઈ, વિનોદભાઈ, પ્રેમજીભાઈ તેમજ જયંતીભાઈ સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંચાલન કનૈયાલાલ ભાનુશાલીએ અને આભારવિધિ કરસનભાઈ દામાએ કર્યા હતા.

Panchang

dd