• શનિવાર, 20 જૂન, 2026

કચ્છમાં યુવાનોને પી.ટી.સી. ભણવા કોલેજ જ નથી

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 19 : કચ્છના પ્રાથમિક શિક્ષણમાં બહારના જિલ્લાઓના શિક્ષકોની ભરતી થાય અને એ પછી દર વર્ષે જિલ્લાફેરની માગણી સંતોષાતાં જિલ્લાની શાળાઓમાં ખાલી જગ્યાઓ પૂરાવાનો સિલસિલો અટકતો નથી. ચોંકાવનારી હકીકત એ છે કે, કચ્છમાં પુરુષો માટે પી.ટી.સી. કોલેજનો સંકેલો થઈ જતાં સ્થાનિકના વિદ્યાર્થીઓ પી.ટી.સી. કરવા ઉદાસીનતા દાખવે છે અથવા જેઓને પ્રાથમિક શિક્ષક બનવામાં રુચિ છે તેઓ રાજ્યના અન્ય જિલ્લાઓમાં માંડ-માંડ પ્રવેશ મેળવે છે. અત્યારે કચ્છમાં માત્ર મહિલાઓ માટે જ પી.ટી.સી. કોલેજમાં ભણાવવાનું ચાલુ છે. - અત્યંત ગંભીર મુદ્દો : કચ્છનાં શિક્ષણ ક્ષેત્રના જાણકાર સૂત્રોએ અત્યંત ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે, જે કચ્છનાં ભવિષ્ય માટે લાલબત્તી સમાન છે. કચ્છમાં કોઈ પુરુષ વિદ્યાર્થીઓને પીટીસી કરવું હોય તો 2023 સુધી ભુજના તાલીમ ભવનમાં એકમાત્ર કોલેજ હતી, જેમાં પહેલાં અને બીજાં વર્ષમાં 50 - 50 બેઠક ફાળવવામાં આવી હતી, જ્યારે મહિલાઓ માટે અત્યારે પણ મુંદરામાં આર.ડી. એજ્યુકેશન ઉપરાંત અંજારમાં જમિયતે ઉલમાએ હિન્દમાં સેલ્ફ ફાઈનાન્સની વ્યવસ્થા છે. અહીં પણ 50 બહેનને પ્રવેશ મળે છે. - નવું નામ અપાયું : બહેનોને પી.ટી.સી. જેનું નવું નામ ડીપ્લોમા ઈન એલિમેન્ટરી એજ્યુકેશન આપવામાં આવ્યું છે, તેમાં બે સ્થળે પ્રવેશ મળી શકે છે, પરંતુ પુરુષ છાત્રને પી.ટી.સી કરવા કચ્છમાં ક્યાંય વ્યવસ્થા નહીં હોવાથી પ્રવેશથી વંચિત રહે છે. - તો જ કચ્છને તક મળે : સૂત્રો દલીલ કરે છે કે, કચ્છનો વિદ્યાર્થી પી.ટી.સી. ભણી જ ન શકે તો સ્થાનિક શાળામાં શિક્ષક તરીકે ક્યારે ભરતી થઈ શકશે, સરકારે આ દિશામાં  અત્યંત ઉદાસીનતા દાખવી છે. કેમ કે, તાલીમ ભવનની એકમાત્ર બોયઝ કોલેજનો 2023માં સંકેલો કરી લેવામાં આવ્યો છે. - નોકરીની ભૂખ જાગી : ગયાં વર્ષે રાજ્ય સરકારે કચ્છના પ્રાથમિક શિક્ષણમાં સ્થાનિક શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં નોકરીની ભૂખ જાગી છે ને કચ્છના હજારો વિદ્યાર્થીઓ પી.ટી.સી. કરવા ઈચ્છે છે. કેમ કે, પી.ટી.સી. પાસ કર્યા બાદ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5માં શિક્ષક બનવાની તક મળે છે, ભલે ટેટની પરીક્ષા પાસ આમાંય કરવી પડે છે, પરંતુ મૂળ પાયો જ પીટીસી છે તો કચ્છમાં વ્યવસ્થા જ નથી ને કચ્છના સ્થાનિક શિક્ષકો ક્યાંથી મળશે એવો સવાલ છોકરાઓના વાલીઓ પણ કરે છે. - વાલીઓના સવાલ : વાલીઓ વતીથી મુંદરાના પ્રકાશ ઠક્કર કહે છે કે, છોકરીઓ માટે વ્યવસ્થા છે, પણ છોકરા ક્યાં જશે અને એકમાત્ર કોલેજ હતી તે બંધ કરી દેવાઈ. હવે સ્ટાફ પણ નથી, એટલે નાછૂટકે શિક્ષકો બહારથી આવે અને થોડા સમય કચ્છમાં રહ્યા પછી જિલ્લાફેરની બદલીઓ કરાવી જાય છે. અંતે કચ્છના પ્રાથમિક શિક્ષણ તંત્રના ભાગ્યમાં ખાલી જગ્યાઓ જ મળે છે. કચ્છના વિદ્યાર્થીઓ બહારના જિલ્લામાં પી.ટી.સી. કરવાનું ટાળે છે, પણ હજુ ઓછા જાય છે, હવે જ્યારે સરકાર હજારોની સંખ્યામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાનું આયોજન કરે છે, ત્યારે સૌથી પહેલાં કચ્છમાં શિક્ષક બનવા માટે ભણવાની વ્યવસ્થા હોવી જોઈએ એવી તેમણે માગણી કરી હતી. - 2500 જગ્યા ખાલી : અત્યારે પણ કચ્છમાં 2500થી વધારે પ્રાથમિક શિક્ષકની જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળ્યું છે ને બીજા એક હજાર જણે માગણી કરી છે, જેવી નવી ભરતી થશે એટલે આ એક હજાર કચ્છ છોડી દેશે, અંતે કચ્છમાં ઘટનો પ્રશ્ન પાછો ઊભો જ હશે. - ખૂબ જ ધસારો રહેતો : કચ્છમાં જ્યારે તાલીમ ભવનમાં પીટીસી માટે અભ્યાસક્રમ ચાલુ હતો, ત્યારે પ્રવેશ મેળવવા યુવાનોમાં મોટો ધસારો રહેતો હતો અને માંડ પ્રવેશ મળતો. એના માટે મેરિટ લિસ્ટ બનતું, પછી જ પ્રવેશ મળી શકતો હતા., જે હવે અત્યારે આ  સિલસિલો ભૂતકાળ બની ગયો છે. - જનપ્રતિનિધિઓ જાગે : કચ્છના લોકપ્રતિનિધિઓની સામૂહિક રજૂઆતોનાં કારણે રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં પ્રાથમિક શિક્ષકો માટે સ્થાનિકની ભરતીને અગ્રતા આપવાના નિયમ બનાવ્યા છે, ત્યારે બોયઝ માટે પદાધિકારીઓએ હવે પીટીસી કોલેજ શરૂ થાય એવા પ્રયાસો કરવા જોઈએ, જેથી હજારો યુવાનોને તેનો લાભ મળી શકે, તેવું વાલીઓએ તો કેટલાક વંચિત રહેલા યુવાનોએ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું. - પ્રા. શિક્ષણાધિકારીનો મત : કચ્છના પ્રાથમિક શિક્ષણ તંત્રનો વિષય હોવાથી જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારને આ મુદ્દે પૂછતાં તેમણે કહ્યું હતું કેકચ્છમાં કોલેજ હોવી જોઈએ કેમ કે, અભ્યાસક્રમ હશે તો જ સ્થાનિકના યુવાનોને ભણવાની તક મળશે. શ્રેષ્ઠિઓએ આ વિષયમાં સરકારમાં રજૂઆત કરવી જોઈએ. મારી પાસે રજૂઆત આવશે તો દરખાસ્ત કરવામાં આવશે.  

Panchang

dd