સુમરાપોર (તા. ભુજ), તા. 19 : આ ગામે પ્રાથમિક
શાળાની ઓરડા રૂપી નવી બનનારી ઈમારતના પાયાનાં નબળાં કામ અને માલની ગુણવત્તા સામે આક્ષેપ
સાથે ગામના સુમરાભાઈ રોમતુલા તથા ગામલોકો દ્વારા કલેક્ટર તેમજ વહીવટી તંત્રને કામની
તપાસ કરવા લેખિત રજૂઆત કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પચ્છમની અનેક શાળાઓની છતનાં પોપડાં પડવાના બનાવો
બની ચૂક્યા છે. વર્ષ 2013 સુમરાપોરની
એક શાળામાં બે છાત્ર ગંભીરરૂપે ઘાયલ થયા હતા, જેમાં એક છાત્રની પગની આંગળી કપાઈ જવાનો બનાવ બન્યો હોવાનું જણાવતાં ભ્રષ્ટાચાર
બાબતે શંકા વ્યક્ત કરાઈ હતી. છતનાં પોપડાં પડવાથી ભોગ બનેલા છાત્રોને મળવા કેન્દ્રીય
બાળ અધિકાર સંરક્ષણ કમિશનના સભ્ય ડો. વંદના પ્રસાદે સ્થળ મુલાકાત લીધી હોવાનું પણ ઉમેર્યું
હતું. કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી બાબતે અયોગ્ય જવાબો અપાયા હોવાની ફરિયાદો કરાઈ
હતી. શાળાની વ્યવસ્થાપન સમિતિ દ્વારા નવી શાળાનાં કામ બાબતે હાલમાં કોઈ મિટિંગ મળી
ન હોવાનું જણાવતાં કામગીરી અંગે સવાલો ઊઠયા હતા. શાળાના શિક્ષક દશરથભાઈ પરમારે જણાવ્યું
હતું કે, શાળાનું કામ મે માસના અંતમાં શરૂ કરાયું છે,
પરંતુ સમિતિને જાણ ન કરાઈ હોવાના આક્ષેપો કરાયા હતા. આવી જોખમરૂપી નિર્માણ
કામ અંગે ગામ લોકોએ રોષ વ્યક્ત કરતાં સારી ગુણવત્તાનું કામ થાય તેવું તેવી માગણી સાથે
આ બાબતે યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી હતી.