અંબર
અંજારિયા દ્વારા : ભુજ, તા. 19 : સાતથી
આઠ વર્ષ પછી કાચા-પાક એકાદ દાયકા પછી `કચ્છીમાડુ'ને `કચ્છીખેડુ'
પ્રીમિયમ એક્સપોર્ટ ક્વોલિટીની કમાલ કેસર
કેરી ધ્રો કરીને ખવડાવી શક્યો છે. લાંબા સમય
પછી કચ્છીઓ સારી, થોડીક સસ્તી કેસર ખાઇને મોસમની મજા એ કારણે
માણી શક્યો છે કે, યુદ્ધ પ્રેરિત વિકટ સંજોગોની સાંકળમાં બંધાઇને
કચ્છના ખેડૂતો વિદેશી બજારમાં મીઠાં-મધુરાં આમ્રફળની નિકાસ કરી શક્યા નથી. નિકાસ
ઘટવાની સાથોસાથ વાવેતરનો વિસ્તાર વધ્યો છે. આ વખતે રણપ્રદેશમાં 14,500 હેક્ટરથી વધુ ભૂ-ભાગ પર કેસર કેરીનું વાવેતર
થયું હતું, જેના પગલે આ વખતે ફાલ પણ
ઘણો ઊતર્યો છે. વિદેશી બજારો સુધી ન પહોંચી શકેલી કેસર કેરી આ વખતે ઢગલાબંધ
ઘરઆંગણાની બજારોમાં ઊતરી પડી છે. - આ વખતે કેસરની નિકાસ માંડ એક ટકો થઇ હશે
: કચ્છમાં કેસરની ખેતીના પાયોનિયર અને ગુજરાત
એગ્રીના ડાયરેક્ટર રહી ચૂકેલા બટુકસિંહ જાડેજા કહે છે કે, આ વખતે નિકાસ એકાદ ટકો પણ માંડ થઇ શકી છે. ઘરેલુ બજારોમાં આ વર્ષે પુષ્કળ
માલ ઊતરતાં ભાવ પણ ઠીક સારા મળ્યા છે. એટલે ખાનારા પણ ખુશ છે અને ખેડૂત પણ ખુશ છે, તેવું શ્રી જાડેજાએ જણાવ્યું હતું. આ વખતે માંગરોળના વેપારીઓ પણ ઓછા આવ્યા, જે દરવર્ષે કચ્છના બગીચાઓમાં ઊતરી પડતા હોય છે.અલબત્ત ઉતારતાં પહેલાં
ઉતારા વખતે કાળા ડાઘ પડી ગયા હોય, તેવી કેસર બજારમાં ઓછાં પ્રમાણમાં અને ઓછા
ભાવે વેચાઇ હતી. જો કે, આવી કેસરનું પ્રમાણ 10થી 15 ટકા જ રહ્યું. - રોજ છથી આઠ બોગી કેસર જાય છે, મુંબઇ મોટી બજાર બની : આશાપુરા ફાર્મના સૂત્રધાર અને પ્રયોગશીલ કિસાન અગ્રણી હરેશભાઇ મોરારજી
ઠક્કર કહે છે કે, એક સમય હતો જ્યારે કચ્છ પર હાથ રાખીને હાફૂસ મુંબઇ મોકલતું, જ્યારે આજે કચ્છી કેસરની મદદથી કચ્છ મુંબઇ અને આખા મહારાષ્ટ્રની માંગ
પૂરી કરે છે. આ વર્ષે વિદેશી બજારનો પંથ યુદ્ધે કપરો બનાવી નાખતાં કેસર કેરી વાવતા
કચ્છના ખેડૂતો માટે મોટી અને મુખ્ય બજાર મુંબઇની રહી. તેવું હરેશભાઇ કહે છે. કેસરના
વાવેતરનું અદ્ભુત અવલોકન કરતાં અભ્યાસુ કિસાન અગ્રણી હરેશભાઇ ઠક્કર કહે છે કે, વાવેતરનો વિસ્તાર અચૂક વધ્યો છે,
પરંતુ ઉત્પાદનમાં થયું એવું છે કે, એક એકરમાંથી સાત ટનના સ્થાને ચાર ટન મળે તેવો તાલ સર્જાયો છે. - ખાસ જાણવા જેવું : કેસરના નવા ગઢ અબડાસાનો
ઉમેરો : કચ્છમાં કેસર કેરીની ખેતીના વધતા જઇ રહેલા
વ્યાપનો એક અભ્યાસ કરતાં ખાસ જાણવા જેવી વાત
એ જાણવા મળી છે કે, આ વર્ષે કેસર કેરીના નવા ગઢ,
નવાં ઘર રૂપે અબડાસાનો ઉમેરો થયો છે. જ્યાં
મોટાભાગે કપાસ થતું હતું, પછી તરબૂચ, સક્કરટેટી જેવા પાકોના પ્રયોગ અને હવે ડેમ, તળાવો ભરાતાં નવું સાહસ ખેડનાર ખેડૂતોએ કેસર કેરીની ખેતી શરૂ કરી છે.
અબડાસાના કોઠારા, કનકપરના વાડી-ખેતરમાં વૃક્ષો પર ઝૂલતી કેસર
જોઇને આંખ ઠરે ભલા.... સ્વાદ પણ ગજબનો મનભાવન. - જમ્બો કેરી અને સોનપરી (સરસ્વતી)નો નવો યુગ શરૂ : રણપ્રદેશમાં કેસર બાદ હવે જમ્બો કેરી અને
સોનપરી (સરસ્વતી) કેરીની નવી, નફાકારક જાતોની ખેતી પણ થવા માંડી છે. સોનપરીમાંથી
સારી કમાણી થતી હોવાનું વિશ્વાસભેર કહેતાં હરેશભાઇ કહે છે કે, 200થી 300 રૂપિયે
કિલોના ભાવે વેચાતી આ કેરીનો ફાલ પણ જબ્બર ઊતરે છે. તાપ, પવન રૂપે કુદરતની થપાટો સામે
ટકી રહે તેવી મજબૂત હોય છે સોનપરી અને સ્વાદ પણ સૌને ગમી જાય તેવો ભલા. - કચ્છમાં કેસરનું વાવેતર 1200 હેક્ટર વધ્યું : કચ્છના બાગાયત નિયામક મનદીપભાઇ પરસાણિયા કહે છે કે, આ વર્ષે ખેડૂતોએ ઉત્સાહભેર 18,500 હેક્ટર ભૂ-ભાગ પર કેસર વાવી છે. અત્યારના આંકડા
જોતાં વીતેલાં વર્ષની તુલનાએ કમાલ કેસર કેરીના
વાવેતરમાં 1200 હેક્ટર જેટલો વધારો થયો છે. એક નજર વિવિધ
કચ્છી ભાગોમાં વાવેતર પર કરતાં સૌથી વધુ વાવેતર
નખત્રણામાં પછી માંડવી અને પછી ભુજ તેમજ અંજારના વાડી-ખેતરોમાં થયું છે. ભૌગોલિક વિવિધતાના
કારણે કચ્છમાં પાકતી કેસરના સ્વાદ-રંગ-રૂપ પણ અનોખા હોવાથી દેશ-દુનિયાની બજારો વ્હાલભેર
વધાવી લે છે. - એક્સપોર્ટ ક્વોલિટીની કેસર ખરીદનાર વર્ગ
ઊભો થાય છે : પ્રીમિયમ ક્વોલિટીની કેસર કેરી ખરીદી શકે
તેવો એક વર્ગ ઊભો થયો છે. 10 કિલોના
1500 રૂપિયા હોય તો પણ ખરીદે તેવો વર્ગ સામે આવવા માંડયો છે. એટલે હવે નિકાસનો વિકલ્પ ઘરઆંગણે
મળવાનો સમય શરૂ થયો છે. બહાર વસતા માત્ર ગુજરાતીઓ જ પસંદ કરતા એ કચ્છી કેસરનો સ્વાદ
ગુડગાંવ, દિલ્હી સુધીના લોકો વખાણવા માંડયા છે. ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ રહી
ચૂકેલા પ્રયોગશીલ અને પ્રીમિયમ ખેતીના પ્રખર સમર્થક કિસાન અગ્રણી વેલજીભાઇ ભુડિયા કહે
છે કે, ખેડૂતોને ઘરેલુ બજારમાંથીયે મોસમની મીઠી કમાણી કરવાની તક આ વખતે લાંબા
સમય પછી મળી છે. આ વર્ષે 90થી 110 રૂપિયાના ભાવે લોકોએ હોંશભેર ખરીદીને કેસરની મજા માણી છે. હજુ વરસાદ
ખેંચાશે, તો દેશી ખારેકની બજાર પણ ખેડૂતને ખાળવાનો મોકો મળશે.