ભુજ, તા. 19 : શહેરીજનોની સુવિધામાં કેવી રીતે વધારો કરી
શકાય ? દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ સ્વચ્છ, સુંદર
અને સુવિધાસભર ભુજ શહેરની છાપ લઈને જાય એ માટે શું કરવું ? માત્ર તંત્ર પર મદાર રાખવાને બદલે શહેરીજનોને કેમ જાગૃત કરી શકાય એ બાબતે
કચ્છમિત્ર ભવન ખાતે નગરપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ઉપરોક્ત તમામ મુદ્દે કચ્છમિત્ર પણ સાથ - સહકાર આપશે તેવી ખાતરી
અપાઇ હતી. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ નવી ટીમને અભિનંદન
આપતાં કહ્યું કે, નગરજનોને સારો વહીવટ મળે એ માટે કચ્છમિત્ર
રચનાત્મક ભૂમિકા ભજવવા તૈયાર છે. - વાહનમાં જ કચરો એકત્ર કરવો : બેઠકમાં ઉપસ્થિત ભુજ સુધરાઈના પ્રમુખ શીતલભાઈ શાહે શહેરને સ્વચ્છ બનાવવા
માટે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને લેવા-મૂકવા જતી રિક્ષા, કાર સહિતનાં વાહનોમાં પ્લાસ્ટિક થેલી મુકાય અને પ્રવાસીઓને કચરો માર્ગ
પર ફેંકવાને બદલે થેલીમાં મૂકે અને એ કચરો વાહનચાલક માર્ગ પરની કચરાપેટીમાં મૂકે જેથી
માર્ગ પર ગંદકી ન ફેલાય તેવું સૂચન કર્યું હતું. - ક્રાફ્ટ બજાર નિર્માણ કરવી : સુધરાઈના ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કરે લોકજાગૃતિ
પર ભાર મૂકવા સાથે શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવામાં મહિલા મંડળની સહભાગિતા ઉપયોગી
બની શકે તેમ કહ્યું હતું. તેમણે પીપીપી ધોરણે ક્રાફ્ટ બજાર નિર્માણનું સૂચન પણ મૂક્યું
હતું. - સ્વચ્છતા માટે લોકજાગૃતિ જરૂરી : કારોબારી ચેરમેન કમલભાઇ ગઢવીએ જણાવ્યું
કે, દરેક વિસ્તારના લોકો જાગૃતિ દાખવે તો ગંદકી આપોઆપ દૂર થઇ શકે. તેમણે આઇયાનગરનું
ઉદાહરણ ટાંકતાં કહ્યું કે, અહીં મહિલા ટીમ આ બાબતે સક્રિય છે અને આ
વિસ્તારમાં એક પણ કચરાપેટી નથી રખાઇ. દરેક રહેવાસી ડોર ટુ ડોરનાં વાહનમસાં જ કચરો મૂકે
છે, જેથી વિસ્તારમાં સ્વચ્છતા જળવાઇ રહે છે. - માર્ગો સ્વચ્છ રાખવા : શાસક પક્ષના નેતા ધર્મેશભાઇ ગોરે જણાવ્યું
કે, લોકોની જાગૃતિ ખૂબ જરૂરી છે. માત્ર તંત્ર પર મદાર રાખવાને બદલે લોકો પોતાની
ફરજ સમજે, જો માર્ગ પર ગંદકી-કચરો નહીં હોય તો ત્યાંથી પસાર થતા પ્રવાસી કે શહેરીજન
કચરા ફેંકતા વિચાર કરશે. - એનઆરઆઇ
દંપતીની ઉમદા કામગીરી : સેનિટેશન
શાખાના ચેરમેન મનુભા જાડેજાએ લોકોના સહયોગની વાત કરી સિમંધર સિટીમાં એનઆરઆઇ મનજીભાઇ
પટેલ અને તેમના પત્ની વિસ્તારની શેરી જાતે સાફ કરતા હોવાનું કહી તમામ શહેરીજનોની આવી
ભાવના હોય તો ભુજ શહેર સ્વચ્છ બને તેમ ઉમેર્યું હતું. - સ્વચ્છ સિટી જેવાં પગલાં ભરવાં : બેઠકમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી સંજયભાઇ એન્કરવાલાએ સ્વચ્છ
સિટી સુરતનું ઉદાહરણ આપી ત્યાં સ્વચ્છતા માટે લેવાતાં પગલાં જાણી તેનો પ્રયોગ ભુજમાં
કરવા સૂચવ્યું હતું. - અન્ય
સૂચનો : આ ઉપરાંત બેઠકમાં ભુજમાં એક મોટો અને આધુનિક
સુવિધાથી સજ્જ હોલ બનાવવો અને એ માટે જગ્યા સૂચવવી, હમીરસર
તળાવની આસપાસ કે અન્ય હરવા-ફરવાનાં સ્થળોની દીવાલો પર રણ-દરિયો વિ. સમાવતાં ચિત્રો
બનાવવા, જેથી પ્રવાસીઓને તેની અનુભૂતિ સ્થળ પર થઇ શકે. નગરપાલિકા દ્વારા કરાતી
કામગીરી બિફોર અને આફટર દર્શાવતા ફોટા જાહેર કરવા, બાગ-બગીચાને
વિકસાવવા સહિતના મુદ્દે મનોમંથન કરાયું હતું. કાવા સંસ્થાના અનિલભાઇ ગાલા, નગરપાલિકાના દંડક રૂપલબેન ચાવડાએ સૂચનો કર્યાં હતાં. - કચ્છમિત્ર તરફથી પાંચ મહત્ત્વનાં સૂચન : ભુજને સ્વચ્છ-સુંદર અને સુવિધાસભર બનાવવાનાં
કાર્યોમાં કચ્છમિત્રના સાથ- સહકારની ખાતરી આપતાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી
હાર્દિકભાઇ મામણિયાએ ખાસ કરીને પાંચ મુદ્દા સૂચવ્યા હતા, જેમાં - સ્વચ્છતા
સ્પર્ધા : દરેક વિસ્તાર માટે સ્વચ્છતા સ્પર્ધા યોજવી અને જે વિસ્તાર વધુ સ્વચ્છ હોય
તેમને સન્માનિત કરી પ્રોત્સાહન આપવું,
જેથી અન્યોને પ્રેરણા મળી રહે. - ડિજિટલ અવેરનેશ : હાલમાં સોશિયલ મીડિયાનો
ક્રેઝ વધ્યો છે, ત્યારે લોકો આ માધ્યમનો ઉપયોગ કરે અને તેમની
સમસ્યા મોકલે જેનો સત્વરે ઉકેલ લાવવો. - મિયાવાકી પદ્ધતિ સાથે ગ્રીન બેલ્ટ : દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં આવે ત્યારે
પ્રથમ રેલવે સ્ટેશન, એરપોર્ટ પર ઊતરતા હોય છે, ત્યારે ગંદકી નિહાળતા હોય છે,
જેથી તે સ્થળે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો
વાવી ગ્રીન બેલ્ટ બનાવવા જોઇએ જેથી લોકો એક સુંદર છાપ લઇને જાય. - કચ્છીયતસભર દુકાનોનાં બોર્ડ : ભુજ શહેરની
બજારોમાં અલગ-અલગ ધંધાર્થીઓને જાગૃત કરી દુકાન પર કચ્છની વખણાતી વસ્તુઓ સાથેનાં બોર્ડ
બનાવી કચ્છીયત ઉજાગર કરે, આવા બોર્ડ લગાડનાર વેપારીને પણ સન્માનિત
કરવા, જેથી અન્યોને પ્રેરણા મળે. - ટૂરિઝમ કિયોસ્ક મૂકવા : રેલવે સ્ટેશન, એરપોર્ટ
પર દેશ-વિદેશના પ્રવાસીઓને મદદરૂપ થવા સ્થળની માહિતી આપતા કિયોસ્ક મૂકવા જોઇએ, જેથી અતિથિઓને કયા સ્થળે જવું એ માટે વ્યાયામ ન કરવો પડે અને તેમનો સમય
બચી શકે.