ગાંધીધામ, તા. 19 : શહેરના ચાવલા ચોકમાં વરસાદી
નાળાંની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરે પીવાનાં પાણીની લાઈન તોડી નાખી હોવાથી ઘણા દિવસોથી
પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ખાટલે મોટી ખોટ તો એ છે કે, પાણી વિભાગના ધ્યાને મામલો હોવા છતાં કોઈએ વેડફાટ
રોકવાની તસ્દી લીધી નથી. પરિણામે જે પાણી લોકોનાં ઘરના નળમાં મળવું જોઈએ તે વરસાદી
નાળાંમાં વહી રહ્યું હતું. મહાનગરપાલિકાનો વહીવટ ધીરે ધીરે ખાડે જતો જાય છે. લોકો કથડતી
અને કંગાળ સેવાથી કંટાળી રહ્યા છે. પીવાનું પાણી પૂરતાં પ્રમાણમાં મળતું નથી. ઘણા વિસ્તારો
એવા છે કે, જ્યાં અઠવાડિયે પાણી આવે છે, જે વિસ્તારમાં પાણીનો સપ્લાય થાય છે ત્યાં અપૂરતું અને દૂષિત આવતું હોવાની
ફરિયાદો છે. લોકો પીવાનાં પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર ઉચ્ચ કક્ષાએથી પાણીનો જથ્થો વધુ માત્રામાં
આવે તેવા કોઈ પ્રયાસો કરતું ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એક બાજુ લોકોને પીવાનું
પાણી નિયમિત મળતું નથી, તો બીજી બાજુ કોન્ટ્રાક્ટરો લાઈન તોડી
રહ્યા છે અને તેમાં હજારો-લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તેમ છતાં કોઈ પગલાં
ભરવામાં આવતાં નથી. આડકતરી રીતે મહાનગરપાલિકાના કર્મચારીઓ કોન્ટ્રાક્ટરને મદદ કરી રહ્યા
હોવાના ગંભીર આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. શહેરના ચાવલા ચોકમાં વરસાદી નાળાંની કામગીરી દરમિયાન
કોન્ટ્રાક્ટરે પીવાનાં પાણીની લાઈન તોડી નાખતાં હજારો લિટર પાણી નવનિર્મિત નાળાંમાં
વેડફાઈ રહ્યું છે. અહીં આરસીસી કામ થયું હોવાથી પાણીની જરૂરિયાત પણ હતી અને તેવામાં
લાઈન તોડી નાખતાં તે પાણી તેમાં જઈ રહ્યું છે. પાણી વિભાગના ધ્યાને મામલો હોવા છતાં
કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી. એન્જિનીયારિંગ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલાં
ભરવાની તસ્દી લેવાતી નથી. એન્જિનીયર કોન્ટ્રાક્ટરો નીચે દબાયેલા હોવાના આક્ષેપો થઈ
રહ્યા છે. શહેરના અલગ- અલગ વિસ્તારોમાં અનેક જગ્યાઓએ લાઈનો તોડી નાખે છે, છતાં પગલાં ભરાતાં નથી. મ્યુનિસિપલ કમિશનર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી માંગ
ઊઠી છે.