• શનિવાર, 20 જૂન, 2026

નાની ખાખરમાં સ્થપાનારા કોપર ક્રેપ રિસાયક્લિંગ -સ્મેલ્ટિંગ પ્રોજેક્ટ સામે વીસેક ગામલોકોનો વિરોધ

ભુજ, તા. 15 : માંડવી તાલુકાના નાની ખાખર પાસે ગ્રેવિટા કોપર રિસાયકલીન નામની ખાનગી કંપની દ્વારા સ્થપાનારા પ્રોજેક્ટના વિરોધમાં નાની ખાખર સહિત આસપાસના વીસેક ગામના લોકોએ સોમવારે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. માંડવી તાલુકાના નાની ખાખરના સર્વે નં. 402 તેમજ અન્ય સર્વે નંબરો ઉપર `ગ્રેવીટા ઇન્ડિયા લિમિટેડ' દ્વારા કોપર ક્રેપ રિસાયક્લિંગ અને સેકન્ડરી કોપર સ્મેલ્ટિંગ પ્રોજેક્ટ નાખવાની તજવીજો ચાલી રહી છે, આ બાબતે તમામ ગ્રામજનો અને આસપાસના વિસ્તારના વીસેક ગામના લોકોએ કંપનીથી થનારા નુકસાનના વિવિધ મુદ્દાના આધારે આ પ્રોજેક્ટનો સખ્ત વિરોધ નોંધાવી કોઈપણ સંજોગોમાં ગામમાં આવા ખુબ જ ઝેરી અને અત્યંત ઘાતક પ્રદૂષણ ઓક્નારા પ્રોજેક્ટને સ્વીકારવાનો ઈન્કાર કરી વિરોધ નોધાવ્યો છે. સોમવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે અપાયેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર મેસર્સ ગ્રેવીટા ઇન્ડિયા લિમિટેડ દ્વારા પ્રસ્તાવિત કોપર ક્રેપ રિસાયક્લિંગ અને સેકન્ડરી કોપર સ્મેલ્ટિંગ અત્યંત ઘાતક અને ઝેરી પ્રદૂષણ ઓકનાર પ્રોજેક્ટ દ્વારા થનાર સંભવિત પ્રદૂષણ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ, વિગતવાર પર્યાવરણીય તપાસ તથા આપવામાં આવેલ મંજૂરીઓની સમીક્ષા બાબત ફરિયાદ અને કંપની દ્વારા ચાલી રહેલ કામગીરીને તાત્કાલિક અસરથી રોકવા માંગ કરી છે. કચેરી ખાતે એકઠા થયેલા નાની-મોટી ખાખર, બિદડા, નાના-મોટા ભાડિયા, મોટા કાંડાગરા, શિરાચા, નવીનાળ, ફરાદી, ડેપા, રામાણિયા, નાના-મોટા આસંબિયા, ગુંદિયાળી, ત્રગડી, ટુંડા અને દેશલપર (કંઠી) સહિતના ગામલોકોના જણાવ્યા અનુસાર આ કંપનીને મંજૂરી અપાશે તો આ ગામોમાં આવેલા વાડી-ખેતરોમાં આવેલા આંબા, દાડમ, ચીકુ, ખારેક, નાળિયેર જેવા દસેક લાખ ફળદ્રુપ વૃક્ષ નષ્ટ પામશે. વળી આ ઉદ્યોગ થકી ફેલાનારા ઝેરી કેમિકલયુક્ત રજકણો, આખા ગામમાં પથરાઈ જશે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડશે, આ કંપનીથી નજીક પ્રાથમિક શાળા, હોસ્પિટલ આવેલા હોવાથી બાળકો અને દર્દીઓના આરોગ્ય પર પણ આડઅસર પડશે અને ફેલાનારા પ્રદૂષણથી બાળકોનું ભવિષ્ય જોખમાશે. વધુમાં કંપની દ્વારા છોડાનારા કેમિકલયુક્ત કચરાના નિકાલ અને સંગ્રહથી ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થશે, જેથી જીપીસીબી દ્વારા અપાયેલી તમામ મંજૂરીઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે, જો વહીવટી તંત્ર અને કંપની દ્વારા ગામલોકોની રજૂઆત પ્રત્યે ધ્યાન નહીં અપાય તો અસરગ્રસ્ત ગ્રામલોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરવાની ચીમકી અપાઈ છે. આ રજૂઆતમાં જે. પી. મહેશ્વરી (નાનીખાખર), પ્રવીણાસિંહ જાડેજા (નવીનાળ), બળવંતાસિંહ ગોહિલ (સરપંચ રામાણિયા), અરજણભાઇ ડોસાભાઈ ગઢવી, બુધિયાભાઈ ગઢવી (ભાડિયા મોટા), જામ મહેબૂબભાઈ, અનવરભાઈ (ત્રગડી), રતનભાઈ ગઢવી, હરપાલાસિંહ જાડેજા, કેશવભાઈ ગઢવી (મોટીખાખર), ખુશાલભાઈ દેઢિયા, સુરેશભાઈ પટેલ, નીલેશભાઈ પટેલ, મુકેશભાઈ મોથારિયા, ચતુરાસિંહ  જાડેજા, મહિપતાસિંહ જાડેજા, સુરૂભા જાડેજા, જુવાનાસિંહ  જાડેજા, બાલુભા જાડેજા, હકુભાઈ રાઠોડ, વિક્રમાસિંહ માધુભા. જાડેજા, પૃથ્વીરાજાસિંહ નટુભા જાડેજા, સતીશાસિંહ ભગવાનજી જાડેજા, ઝાલા પ્રતિપાલાસિંહ મહેન્દ્રાસિંહ, રાજેન્દ્રાસિંહ નથુભા જાડેજા, ઘનશ્યામાસિંહ ચનુભા જાડેજા, પૃથ્વીરાજાસિંહ અગરસંગ જાડેજા, રાજેશ પરમાર, રાહુલ રાઠોડ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

Panchang

dd