• રવિવાર, 15 માર્ચ, 2026

ભારતીય જ્ઞાન પરંપરા સમૃદ્ધિસભર

ભુજ, તા. 13 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે મહર્ષિ વેદવ્યાસ ભારતીય જ્ઞાન પરંપરા કેન્દ્ર દ્વારા ઉચ્ચ શિક્ષણમાં ભારતીય જ્ઞાન પ્રણાલીનું મહત્ત્વ અને અસરકારક કાર્યાન્વયન વિષય પર દ્વિ-દિવસીય સેમિનાર યોજાયો હતો. શિક્ષણ વિભાગ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતની યોજના અંતર્ગત આ કાર્યક્રમનાં આયોજન કરાયાં હતાં. આ વર્કશોપનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણનાં પરિસરમાં વેદ, ઉપનિષદ, યોગ, આયુર્વેદ, વિજ્ઞાન, સંસ્કૃત સાહિત્ય જેવી ભારતીય જ્ઞાન પરંપરાના વિવિધ આયામોને સમજી તેને આધુનિક શિક્ષણ પદ્ધતિ સાથે કેવી રીતે અસરકારક રીતે સંકલિત કરી શકાય તે અંગે જાગૃતિ લાવવાનો હતો. અનિરુદ્ધ દવેએ મહર્ષિ વેદવ્યાસ જ્ઞાન પરંપરા અને નવી શિક્ષા નીતિ સંદર્ભે ભારતીય જ્ઞાન પ્રણાલીનું દાર્શનિક અને શૈક્ષણિક પરિમાણ વિશદ રીતે રજૂ કર્યું હતું. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઇ પટેલે આધુનિક `િડક્શનરી' આધારિત શિક્ષણને પ્રાચીન ભારતીય પરંપરાગત પદ્ધતિ સાથે સુસંગત કરતી દૃષ્ટિ રજૂ કરી હતી. ડો. હિતેશ જાનીએ 'ગુરુકુલથી ગ્લોબલ' વિષયક વ્યાખ્યાનમાં વૈદિક અને અવૈદિક જ્ઞાનસ્રોતો, અષ્ટાધ્યાયી, ચરકસંહિતા વગેરેના ઉદાહરણોથી રજૂ કર્યાં હતાં. બોર્ડ મેમ્બર મનોજ સોલંકીએ પ્રાચીન ભારતીય મૂળ જ્ઞાન, યોગવાદી તથા ભોગવાદી વિચારધારા અંગે પ્રકાશ પાડયો હતો. ડો. કનિષ્ક શાહે ઋષિકુળ જ્ઞાન પરંપરા, સ્વબોધ અને શત્રુબોધની સંકલ્પનાઓ તેમજ પ્રાચીન જ્ઞાનાકીય વ્યવસ્થાને વર્તમાન પરિસ્થિતિમાં કેવી રીતે અમલમાં મૂકી શકાય તે વિષયક વિચારો રજૂ કર્યા હતા. ડો. પંકજ ઠાકરે `યુગલ ઉપાસના' સંદર્ભમાં સંસ્કૃત વ્યાકરણ, વેદશાત્ર, નાટયશાત્ર, ઉપનિષદ, વેદાંગ, સુક્તો વગેરે પર માર્ગદર્શન આપ્યું હતું. ચિંતન રાવલે પ્રશ્નોત્તરી આધારિત આંતરક્રિયાત્મક સત્ર દ્વારા વિષ્ણુ અવતાર દ્વારા માનવ ઉક્રાંતિ તથા ભગવાન શિવ દ્વારા પ્રદાન કરાયેલા 114 યોગસાધનો જેવા વિષયો પર ચર્ચા કરી હતી. દલપતરામ દાણિધારિયાએ કોટેશ્વર, ભુજનું રામકુંડ વગેરે પવિત્ર અને ઐતિહાસિક સ્થળોની જ્ઞાનપરંપરા વિશે માર્ગદર્શન આપ્યું હતું. કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ ડો. અનિલ ગોર, મહર્ષિ વેદવ્યાસ, ભારતીય જ્ઞાન પરંપરા કેન્દ્રના નિર્દેશક ડો. કનિષ્ક શાહ, સહનિર્દેશક ચિંતન રાવલ, ડો. રૂપલ દેસાઇ અને ડો. શિતલ બાટી હાજર રહ્યા હતા. સંચાલન ડો. રૂપલ દેસાઇએ સંભાળ્યું હતું. મેનેજમેન્ટ વિભાગ અને સંસ્કાર કોલેજના સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd