• શનિવાર, 14 માર્ચ, 2026

લુડબાયમાં સરપંચે કરેલાં વ્યાવસાયિક દબાણો હટાવાયાં

નખત્રાણા, તા. 13 : તાલુકાનાં લુડબાય ગામે સરપંચ દ્વારા સરકારી પડતર જમીનમાં કરાયેલાં ચાર વ્યાવસાયિક દબાણ દૂર કરી 7100 ચો.મી., જમીનને દબાણમુક્ત કરાવાઇ હતી. મામલતદાર આર. ડી. પટેલે પાઠવેલી યાદી અનુસાર લુડબાય ગામે દેશલપર (ગું.) - હાજીપીર હાઇવેની બાજુમાં આવેલી સરકારી જમીન સર્વે નં. 154/ પૈકી 26માં હોટેલ, ઓરડીઓ વિગેરે પ્રકારના ચાર સરકારી પડતર જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણો દૂર કરાયાં હતાં. આ દબાણો લુડબાય ગામના સરપંચ જબ્બાર હેબર જત દ્વારા કરવામાં આવ્યાં હતાં. મામલતદાર કચેરી દ્વારા કેસ ચલાવી દબાણ દૂર કરવા હુકમ કરાયો હતો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. ડી. ગોહિલ દ્વારા હાજીપીર પોલીસ સ્ટેશનમાં લુડબાય ગામના સરપંચ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોઈ દબાણ હોટેલ - ઓરડીઓ સહિત બાંધકામ કરી સરકારી જમીન પર દબાણ કરેલ હોવા અંગે રિપોર્ટ કરાયો હતો. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલનાં માર્ગદર્શન હેઠળ મામલતદાર આર. ડી. પટેલની સૂચના મુજબ સર્કલ ઓફિસર નિકેશ જોષી, નાયબ મામલતદાર સંજય પરીખ, વી. ડી. ગોહિલ, પોલીસ સ્ટાફ તથા પી.જી.વી.સી.એલ. સ્ટાફની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઇ હતી. આ કામગીરીમાં ચાર કોમર્શિયલ દબાણો દૂર કરી 7100 ચો.મી. જમીન જેની જંત્રી મુજબની કિંમત રૂા. 1,84,600 અંકારાઇ હતી તે જમીનને દબાણમુક્ત કરાવવામાં આવી હતી. 

Panchang

dd