નવી દિલ્હી, તા. 13 : સર્વોચ્ચ
અદાલતે શુક્રવારે દેશભરમાં મહિલા છાત્રો અને કામકાજી મહિલાઓને માસિક ધર્મ માટે ચાલુ
પગારે રજા આપવાની માંગ કરતી અરજી ફગાવી દેતાં મહત્ત્વની ટિપ્પણી કરી હતી કે, આમ તો મહિલાઓને કોઇ કામ નહીં આપે.મુખ્ય ન્યાયમૂર્તિ
સૂર્યકાંતે કહ્યું હતું કે, આવી અરજીઓ અજાણતાં મહિલાઓ વિશે બનેલી
જૂની રુઢિઓને વધુ મજબૂત કરી શકે છે. આવો રજાનો કાયદો બનાવાશે તો મહિલાઓને કોઇ કામ-રોજગાર
નહીં આમ થવાથી તો મહિલાઓની કારકિર્દી જ ખતમ થઇ જશે, તેવી લાલબત્તી
સુપ્રીમે ધરી હતી. દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ વિચારતા કરી દે તેવી ટિપ્પણી કરતાં કહ્યું
હતું કે, આવી અરજીઓ ડર પેદા કરવા, મહિલાઓને
`હીન'
બતાવવા અને એવું દર્શાવવા માટે કરાય છે કે, પીરિયડ્સ
(માસિક) તેમની સાથે થતી કોઇ ખરાબ ચીજ છે. આમ તો આ મહિલાઓનો હકારાત્મક અધિકાર છે,
પરંતુ એ નોકરીદાતા માટે વિચારો, જેણે `પેઇડ લીવ' (ચાલુ પગારે રજા) આપવી પડશે, તેવું સૂર્યકાંતે કહ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા
બાગચીની ખંડપીઠે સુનાવણી દરમ્યાન માસિક ધર્મની રજા ફરજિયાત કરવાના સંભવિત સામાજિક પરિણામો
વિશે ચિંતા વ્યક્ત કરી હતી. - આ મામલે ખુદ કોઈ મહિલા કોર્ટમાં
આવી નથી : સુપ્રીમ : સુપ્રીમ કોર્ટે અરજદારોના અધિકાર ક્ષેત્ર પર પણ સવાલ ઉઠાવ્યા
હતા અને કહ્યું હતું કે, આ મામલાને
લઇને ખુદ કોઇ મહિલા કોર્ટમાં નથી આવી. માની લો કે, સમગ્ર ખાનગી
ક્ષેત્રને મહિનામાં એકવાર આવી રજાનો અધિકાર આપો છો તો તે ક્ષેત્રના વિકાસ માટે નુકસાન
કરનાર પુરવાર થઇ શકે છે. તમને કામનાં સ્થળે
ઊભી થનારી માનસિકતાનો અંદાજ નથી, તેવું મુખ્ય ન્યાયમૂર્તિ
બોલ્યા હતા. માસિક ધર્મની ચાલુ પગારે રજાનો કાયદો બનશે તો કોઇ નોકરીદાતા તેમને મહત્ત્વની
જવાબદારીઓ આપશે નહીં. એ હદ સુધી કે જ્યુડિશિયલ (ન્યાયિક) સેવાઓમાં પણ તેમને કેસ સહિતનાં
કામો નહીં સોંપાય, જેનાં પગલે મહિલાઓની કારકિર્દી ખતમ થઇ જશે,
તેવી ચેતવણી સીજેઆઇ સૂર્યકાંતે આપી હતી.