ભુજ, તા. 5 : ગેરકાયદે કોલસા ભેરલી ગાડી
વનકર્મચારીએ પકડતાં તેના મનદુ:ખમાં ત્રણ શખ્સે ફોરેસ્ટ કચેરીએ આવી ધાકધમકી સાથે ગળું
દબાવી મારવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે રાતે બેરુ રોડ ઉપર થયેલા આ
જીવલેણ હુમલા અંગે આજે નખત્રાણા પોલીસ મથકે ફોરેસ્ટમાં સરકારી નોકરી કરતા ભરુભાઈ નારાણભાઈ
ચારણ (નખત્રાણા)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તે આરોપીઓ ગાડી નં. જીજે-12-ડીવાય-6043વાળીમાં પરવાના વિનાના કોલસા
ભરેલી ગાડી ફોરેસ્ટ ઓફિસ લઈ આવતા આરોપી જયદીપસિંહ ઉર્ફે ચિન્ટુ દીનબંધુસિંહ જાડેજા
(નખત્રાણા)એ એકદમ ઉશ્કેરાઈ ફરિયાદી ઉપર હુમલો કરી કહ્યું કે, મારી ગાડી તારા સાહેબ પણ ન રોકાવે... ને ગાલ
પર લાફો મારી ઝપાઝપી કરી ગળું દબાવી જાનથી મારવાનો પ્રયાસ કર્યો હતો. આ જીવલેણ હુમલામાં
આરોપી જયદીપસિંહની સાથે તેના ભાઈ રાજકુમાર દીનબંધુસિંહ જાડેજા (નખત્રાણા) અને જાદુભા
જાડેજા (અરલ)એ પણ સાથ આપી ગડદાપાટુનો માર માર્યો હતો. પોલીસે પ્રાણઘાતક હુમલો,
ફરજમાં રુકાવટ તથા હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતની કલમો તળે ગુનો
દાખલ કરી તજવીજ આદરી છે.