• મંગળવાર, 07 જુલાઈ, 2026

ભુજ : સસ્તાં સોનાંની લાલચ આપી છેતરવાના પ્રયાસમાં યુવક ઝડપાયો

ભુજ, તા. 6 : સસ્તાં સોનાની લાલચમાં આવી અનેક છેતરાઈ ચૂક્યા છે. પૂર્વ કચ્છ તેમાંય ભુજમાં તો આવી ઠગાઈનો `ધંધો' પૂરબહારમાં ખીલતાં ગેંગો બનાવી નિશાન પાર પડાતાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે અને આવી ગેંગો પણ પોલીસના સાણસામાં સપડાઈ પણ છે. આમ છતાં આવા ગોરખધંધાની કુપ્રેરણા નવયુવાનો પણ લઈ રહ્યા છે. જેનો તાજો દાખલો સામે આવ્યો છે. ખોટી આઈડી બનાવી સસ્તાં સોનાની લોભામણી લાલચ આપી છેતરવાની કોશિશ કરનારા ભુજના ઓગણીસેક વર્ષના યુવક મહમ્મદ સાહીબ હબીબ પઠાણને એલસીબીએ ઝડપી લીધો છે. સસ્તાં સોનાંની લાલચ તથા એક ના ડબલ કરી આપવાના ઈરાદાથી લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ વધતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આવા ઈસમો સામે કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપતાં એલસીબીની ટીમ આવી ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે. એલસીબીની ટીમને બાતમી મળી કે, મહમ્મદ સાહીબ પઠાણ (રહે. સંજોગનગર, અલહુદા મસ્જિદ સામે, ભુજ) હાલે મુસ્કાન નગર ફરીદ મેમની મસ્જિદ સામે હાજર છે અને પોતાના કબજાના મોબાઈલમાં સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી તેમાં સસ્તાં સોનાંની પોસ્ટ કરી લોકોને છેતરવાની કોશિશમાં છે. આથી ટીમે સાક્ષીઓને સાથે રાખી ત્યાંથી તેને ઝડપી લીધો હતો અને તેના કબજામાંનો મોબાઈલ ચકાસતાં તેમાં ફેસબુક પર નીરજ સોનીની ખોટી ફેસબુકમાં આઈડી બનાવી તેમાં સોનાંનાં બિસ્કિટના ફોટા મૂકી બજારભાવ કરતાં 15 ટકા સસ્તું સોનું આપવાની જાહેરાતો મૂકી હતી. આવી જાહેરાતના ફોટા તથા વીડિયો પોસ્ટ કર્યા હતા. વોટ્સએપ ચકાસતાં અલગ-અલગ લોકો સાથે આવી લોભામણી જાહેરાત મુજબના મેસેજ પણ જોવા મળ્યા હતા. 18 વર્ષ અને 11માસના નવયુવાન મહમ્મદ સાહીબ હબીબ પઠાણને એક મોબાઈલ કિં. રૂા. 5000ના મુદ્દામાલ સાથે ઝડપી તેની વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાર્યવાહી આદરાઈ છે.

Panchang

dd