• શનિવાર, 14 માર્ચ, 2026

નખત્રાણાના ખેડૂતને વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 13 : નખત્રાણામાં એક ખેડૂતને વ્યાજે પૈસા આપી બાદમાં જમીનના સાટાકરાર કરી તેમાં 35 લાખ દર્શાવી છેતરપિંડી કરી હતી તેમજ અન્ય શખ્સે પાંચ લાખ લઇ તે પરત ન આપી બાદમાં વારંવાર પઠાણી ઉઘરાણી કરતા ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. નખત્રાણામાં રહેતા ફરિયાદી એવા ખેડૂત મોહન અરજણ વાલજિયાણી (પટેલ)એ મકાન બનાવવા હોમલોન લીધી હતી તેમજ બે સંતાન અભ્યાસ અર્થે બહાર હોઇ તેમની ફી તેમજ પાકમાં નુકસાન જતાં તેમને રૂપિયાની જરૂરિયાત ઊભી થઇ હતી. તેમણે પાડોશી હરેશ બાવાજીને વાત કરતાં આ પાડોશીએ ગૌતમ સામજી ભદાણીનો સંપર્ક કરાવ્યો હતો. આ શખ્સે પૈસા અપાવવાની હા કરી હતી. ફરિયાદીની જમીનમાં બોજો હોવાથી દસ્તાવેજ થાય તેમ ન હોવાથી સાટાકરાર કરવાનું નક્કી કરાયું હતું. બાદમાં બળવંતસિંહ ઉર્ફે બળુભા તગજી સોઢા પાસેથી 10 લાખ મેળવી સાટાકરાર કરાયા હતા. આ 10 લાખ પૈકી પાંચ લાખ ગૌતમ ભદાણીએ રાખી લીધા હતા. આ ફરિયાદી વ્યાજના પૈસાનો હપ્તો ગૌતમને ભરતા હતા અને બળુભાને વાત કરવાનું કહેતાં ગૌતમ ગલ્લાંતલ્લાં કરતો હતો. ફરિયાદીને શંકા જતાં તેમણે સાટાકરારની નકલ માગી હતી, તે ન મળતાં અંતે ઓનલાઇન આ સાટાકરાર કઢાવતાં તેમાં 35 લાખનો ઉલ્લેખ કરાયો હતો. ફરિયાદીએ પોતે લીધેલા પાંચ લાખ આપવાની તૈયારી દર્શાવતાં બળુભાએ પાંચ નહીં 14 લાખની માંગ કરી હતી તેમજ સાટાકરારમાં કિશોરસિંહ કારૂભા જાડેજાનું નામ હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં આરોપીઓએ વારંવાર પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી કરી હતી. બનાવ અંગે પોલીસે ગૌતમ, બળુભા અને કિશોરસિંહ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd