પાકિસ્તાની આતંકવાદીઓની જેમ કેનેડામાં વસેલા અલગતાવાદી શીખ ખાલિસ્તાનીઓ
પણ ભારતવિરોધી કુપ્રચાર અને સતત હિંસક આંદોલન કરતા હતા. હવે કેનેડાની સંસદની ચૂંટણીમાં
ખાલિસ્તાની આગેવાન જગમીતસિંઘે પોતાની બેઠક અને સ્થાપેલા પક્ષ - ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ
પણ રાષ્ટ્રીય પક્ષ તરીકેનું સ્થાન ગુમાવ્યું છે. ભારત અને કેનેડામાં વસેલા ભારતીય કુળના
વસાહતીઓ માટે ચૂંટણીનાં પરિણામ રાહતરૂપ છે. સૌથી મોટી વાત એ છે કે, ભારત - કેનેડાના દ્વિપક્ષી સંબંધ બગાડનારા ખાલિસ્તાનીની
ભૂમિકા હવે કેનેડાના રાજકારણમાં નહીં રહે. જસ્ટિન ટ્રુડોની સરકારને પાર્લામેન્ટમાં
ટેકો આપીને બચાવનારા જગમીતસિંઘે બેઠક અને પક્ષનું સંખ્યાબળ ગુમાવ્યા પછી એમના ભાવ નહીં
પુછાય. કેનેડાની ચૂંટણીનાં પરિણામ પછી બદલાયેલા સંજોગોમાં ભારત સાથેના દ્વિપક્ષી સંબંધ
હવે સુધરે અને ફરીથી મૈત્રી મજબૂત બને એવી આશા વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરીને વિજેતા
વડાપ્રધાન કાર્નીને શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. કેનેડાના વડાપ્રધાને ચૂંટણી પહેલાં
પણ ભારત સાથેના સંબંધ સુધારવાની જરૂર જણાવી હતી. જસ્ટિન ટ્રુડોએ ભારત ઉપર આક્ષેપ કર્યો,
પણ કોઈ પુરાવા આપી શક્યા ન હતા, તેથી સંબંધ બગડયા
હતા. હવે નવેસરથી વાટાઘાટ શરૂ કરવાના અવકાશ અને અવસર છે તે જોતાં મોદીએ ભાગીદારીની
ઓફર કરી છે. હકીકતમાં બંને દેશની ગુપ્તચર એજન્સીઓએ ખાલિસ્તાની આંદોલન અને ભારતવિરોધી
હિલચાલ ઉપર નજર રાખવાની સમજૂતી કરી લીધી છે. કેનેડામાં ભારતીય કુળના આશરે વીસ લાખ વસાહતી
છે અને ચાર લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે. જસ્ટિન ટ્રુડોના
શાસનકાળ દરમિયાન ખાલિસ્તાની - અલગતાવાદી શીખ હરદીપસિંઘ નિજ્જરની હત્યા થઈ તેનો દોષ
ભારત ઉપર ઢોળીને જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના સંબંધ બગાડયા હતા. આ ગાળામાં ડોનાલ્ડ ટ્રમ્પ
ફરીથી અમેરિકામાં સત્તા ઉપર આવ્યા અને ટેરિફ વોર શરૂ કરી. ટ્રમ્પે તો કેનેડાને અમેરિકામાં
ભેળવીને એકાવનમું રાજ્ય બનાવવાની જાહેરાત કરી હતી - આ મુદ્દો ચૂંટણીમાં મુખ્ય મુદ્દો
હતો. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના વડા હતા અને પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા છે, પણ અમેરિકા સામે ટેરિફ વોરમાં લડવાની અને કેનેડાની આઝાદી - અલગ અસ્તિત્વ ટકાવી
રાખવામાં કસોટી છે.