નવી દિલ્હી, તા. 3 : પહેલગામ આતંકવાદી
હુમલા સામે દેશભરમાં આક્રોશ વચ્ચે એક્શન મોડમાં આવી ગયેલી દેશની મોદી સરકારે શનિવારે
આતંકપરસ્ત દેશને વધુ એક મોટો આંચકો આપતાં પાકિસ્તાનમાંથી તમામ સામાનની આયાત પર પ્રતિબંધ
મૂકી દીધો હતો. સાથોસાથ પાકનાં એકપણ માલવાહક જહાજને ભારતમાં ઘૂસવા નહીં દેવાય, તો પાકથી તમામ પ્રકારની ડાક-પાર્સલ સેવાઓ પર
પણ મોદી સરકારે રોક મૂકી દીધી હતી. ત્રીજા દેશનાં માધ્યમથી પણ આયાત થઇ શકશે નહીં. ભારતનાં
વાણિજ્ય મંત્રાલયે પાકથી આવતી તમામ પ્રકારની વસ્તુઓની આયાત કરવા પર તાત્કાલિક અસરથી
રોક મૂકી દીધી હતી. આમ હવેથી પાકિસ્તાન તરફથી સીધા કે કોઈ પણ અન્ય માર્ગ મારફતે કોઈ
પણ સામગ્રી ભારત લાવી શકાશે નહીં. વાણિજ્ય મંત્રાલયે શનિવારે જારી કરેલાં પરિપત્રમાં
જણાવાયું છે કે, તેમ છતાં કોઈને આ રોકમાંથી છૂટ મેળવવી હોય તો
ભારત સરકારની મંજૂરી મેળવવી પડશે. મોદી સરકારે વધુ એક મોટો ફેંસલો લીધો છે. સમુદ્રી
સુરક્ષાને ધ્યાને લેતાં સરકારે આદેશ આપ્યો હતો કે, પાકિસ્તાનના
ઝંડાવાળા કોઈ પણ જહાજ ભારતના કોઈ પણ બંદરગાહ પર આવી શકશે નહીં. મર્ચન્ટ શિપિંગ એક્ટ,
1958 હેઠળ લેવાયેલા પાકિસ્તાની જહાજોના
પ્રવેશ પર પ્રતિબંધનો આ ફેંસલો તરત લાગુ કરી દેવાયો હતો. ભારતે આયાત પર પ્રતિબંધ મૂકવાનું
વધુ એક આકરું પગલું લઈને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે,
જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને પોષતું રહેશે ત્યાં સુધી તેને વ્યાપારિક
કે કુટનીતિક કોઈ પણ પ્રકારનો સહયોગ અપાશે નહીં. આયાત પર પાબંદીના ભારત સરકારનાં આ પગલાંથી
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ઘણી અસર પડશે. આમેય પાકનું અર્થતંત્ર પહેલાંથી સંકટમાં
છે. પાકિસ્તાનથી આયાત થતી ચીજોમાં સિમેન્ટ, સૂકો મેવો સામેલ છે,
તો ઈ-કોમર્સ દ્વારા પણ વસ્તુઓ આયાત થાય છે. હવેથી કોઈ પણ માધ્યમથી ભારતમાં
કોઈ પણ પાકિસ્તાની માલ-સામાન નહીં આવી શકે. ભારત સાથે વ્યાપારના દ્વાર બંધ થવાથી પાકના
વિદેશી માદ્ર ભંડાર પર દબાણ હજુ વધશે. આ વર્ષે જાન્યુઆરી સુધીમાં ભારતથી પાકિસ્તાનને
નિકાસ 44.76 કરોડ ડોલરની રહી હતી, જ્યારે આયાત 4.ર લાખ ડોલરની હતી. પાડોશી દેશ સાથે સતત
વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્ત્વના નિર્ણયમાં પાકિસ્તાન સાથે તમામ પ્રકારની
ટપાલ અને પાર્સલનું આદાન-પ્રદાન અટકાવી દીધું છે. આ નિર્ણય હવાઈ તથા જમીની બન્ને માર્ગો
પર લાગુ થશે. મોદી સરકારે શનિવારે પાકિસ્તાન પર આર્થિક સ્ટ્રાઈક કરતાં કેટલાક મહત્ત્વના
નિર્ણય લીધા હતા. પાકિસ્તાનના ઝંડાવાળા જહાજોને ભારતના બંદરો પર નો એન્ટ્રીનું એલાન
કરાયું છે. ભારતીય ટપાલ વિભાગે એક નોટિસ જાહેર કરી છે જે મુજબ ભારત સરકારે પાકિસ્તાનથી
આવતી તમામ પ્રકારની ટપાલો (ડાક) અને પાર્સલોનાં આદાન-પ્રદાનને સસ્પેન્ડ કર્યું છે.
બન્ને દેશ વચ્ચે આ સેવા લાંબા સમથી ચાલુ હતી. અગાઉ ર019માં પાકિસ્તાને આ સેવા બંધ
કરી હતી, જે ત્રણ મહિના બાદ બહાલ કરાઈ હતી. ભારતના આ
નિર્ણયથી હવે બન્ને દેશ વચ્ચે પત્રવ્યવહાર, વ્યાપારિક ડાક,
વ્યક્તિગત પાર્સલોની લેણદેણ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. આ નિર્ણયની પારિવારિક
અને વ્યાપારિક વ્યવહાર પર અસર જોવા મળશે. લાંબા સમય સુધી જો આ સેવા ઠપ રહી તો તેની
પાકિસ્તાનના અર્થતંત્ર પર અસર જોવા મળશે. કારણ કે, ભારતથી પાકિસ્તાન
આયાત થતી કેટલીક ચીજોનું પરિવહન ડાક સેવાનાં માધ્યમથી થાય છે.