નવી દિલ્હી, તા. 5 : માત્ર
14 વર્ષની
વયે પીઢ, કસાયેલા
ખેલાડીની જેમ કાંડાનું કૌવત બતાવતા રહેતા વૈભવ સૂર્યવંશીએ સોમવારે વિસ્ફોટક બેટિંગ
કરીને ક્રિકેટરસિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સૂર્યવંશીએ પ્રભાવશાળી રમત રમી
બતાવતાં આફ્રિકા સામે ભારતને આઠ વિકેટે જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
અન્ડર-19 ટીમોના મુકાબલામાં દક્ષિણ આફ્રિકી ફિલ્ડરોને તેની જ ભૂમિ પર
દોડતા રાખનારા વૈભવે માત્ર 19 દડામાં અર્ધસદી ફટકારી દીધી હતી. માત્ર
24 દડામાં
ઝંઝાવાતી 68 રન ઝૂડી દેનાર સૂર્યવંશીએ એક ચોગ્ગા સાથે 10 ગગનચુંબી
છગ્ગા ફટકારી દીધા હતા. વૈભવની ફાંકડી ફટકાબાજીના બળે પ્રવાસી ભારતીય ટીમે 10 ઓવરના
પહેલા પવાર પ્લેમાં બે વિકેટે 103 રન કરી લીધા હતા.