વાયુ પ્રદૂષણ બાબતે બોમ્બે
હાઈકોર્ટે આકરું વલણ લેતાં બૃહદ મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર અને મહારાષ્ટ્ર
પોલ્યુશન બોર્ડના મેમ્બર સેક્રેટરીની બરાબરની ખબર લીધી હતી. ચીફ જસ્ટિસ ચંદ્રશેખર
અને ન્યાયમૂર્તિ ગૌતમ અંખઢની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અધિકારી તરીકે નહીં,
પણ નાગરિક તરીકે પણ પર્યાવરણની સુરક્ષા એ તમારી જવાબદારી છે.
પર્યાવરણ હવે નાગરિકોનો મૂળભૂત અધિકાર બની ગયો છે અને એની સાથે હવે જવાબદારી પણ
જોડાઈ ગઈ છે. આથી પ્રસ્તાવ લઈને આવો, બેઠકો બોલાવો અને
નિર્દેશો લો. દરેક સૂચનની કોર્ટ તથા અન્ય પક્ષો દ્વારા તપાસ થઈ શકે છે. કોર્ટે
નીમેલી પેનલે સર્વેક્ષણ કરેલી સાઇટ્સમાંથી 36માં નિયમોનો ભંગ થયાનું મળી
આવ્યું હતું. આમાં બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે મેટ્રો-2બી
સાઇટનો પણ સમાવેશ થાય છે. જો કે,
અદાલતે એવી ટિપ્પણી પણ કરી કે અમે વિકાસના કામ રોકવા નથી માગતા,
પણ કોઈ પણ પ્રકારની બેદરકારી સહન નહીં કરાય. મુંબઈમાં હવાની કથળતી
ગુણવત્તા માટે બાંધકામ પ્રવૃત્તિઓ તથા માળખાકીય પ્રોજેક્ટ સંબંધી કામો જવાબદાર
હોવાનું જોવા મળે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ સમસ્યા વધુ ગંભીર બની છે અને આ
દિશામાં કોઈ પગલાં નહીં લેવાય તો મુંબઈ પણ વાયુ પ્રદૂષણના મોરચે નવી દિલ્હીની
બરાબરીમાં આવી જશે. અદાલતે પણ આ બાબતમાં ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, એકવાર આ પ્રદૂષણ નિયંત્રણ બહાર થઈ ગયું તો તમારા હાથમાં કશું જ નહીં રહે.
દિલ્હીમાં છેલ્લાં 45 વર્ષમાં આપણે આ જ જોયું છે.
મુંબઈમાં એર પોલ્યુશનના મુદ્દે હાઈકોર્ટ ગંભીર છે, એ સારી બાબત છે, પણ
અન્ય તંત્ર આને હળવાશથી લઈ રહ્યું છે. આથી અદાલતે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને
સીધો જ સવાલ કર્યો કે, તમે ઓફિસમાંથી નીકળીને છેલ્લા ક્યારે
સરપ્રાઇઝ નિરીક્ષણ માટે ગયા હતા? ગગરાણીએ જવાબ આપ્યો કે,
નવેમ્બર મહિનામાં બેવાર આ રીતે નિરીક્ષણ કર્યું હતું. અદાલતે તરત જ
કમિશનરનો કાન આમળતાં કહ્યું કે, પેનલ કહે છે કે, નિયમોનું ઉલ્લંઘન થયું છે અને તમે કહી રહ્યા છો કે, નિરીક્ષણ
કર્યું છે તો તમારી સ્થિતિ વધુ ગંભીર થઈ જાય છે. અમે કામ રોકવા માગતા નથી, અમે એટલું જ ઇચ્છીએ છીએ કે તમે કાર્યવાહી કરો. બાંધકામ સાઇટ્સ પર મૂળભૂત
તકેદારીઓ રખાતી ન હોવાનું પેનલની તપાસમાં સામે આવ્યું છે. મુંબઈમાં પ્રદૂષણની
સમસ્યા અને હવાની નબળી ગુણવત્તાનાં કારણો સ્પષ્ટ છે અને એ માટેની ઉપાયયોજના પણ
સૂચવવામાં આવી છે, પણ આ તકેદારીઓનું પાલન થાય છે કે નહીં એના
નિરીક્ષણમાં ઢીલાશ વર્તવામાં આવી રહ્યાનું સ્પષ્ટ થઈ ગયું છે. હવે અદાલતે એમાં
હસ્તક્ષેપ કર્યો છે, એનાથી કંઈક થશે એવું લાગે છે.