• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

જન ગણ મનનો પડઘો

લોકતંત્રમાં ન્યાયપાલિકાની ભૂમિકા અને મહત્ત્વ બન્ને અગત્યના છે જ, પ્રજાનો મત અને લાગણી તેમ છતાં સર્વોપરી છે. જો જનતાનાં મનમાં મુદ્દો સાચો હોય તો સર્વોચ્ચ અદાલત પણ પોતાના નિર્ણય કે અભિપ્રાય ઉપર પુનર્વિચાર કરે છે. આમ તો સવાલ એવો થાય કે કોર્ટ પહેલેથી એવા ચુકાદા કેમ ન આપે કે, જેથી આમ તેને બદલવાની જરૂર પડે નહીં, પરંતુ તેવી ચર્ચામાં ઊતરવાને બદલે જોવું એ જોઈએ કે, ભારતમાં જન ગણ મનની લાગણી અને તેનો પડઘો ન્યાય પ્રક્રિયામાં પણ કેવો પડે છે તેનું ઉદાહરણ જોવા મળ્યું છે. વિશ્વના લોકશાહી દેશો તથા ન્યાયમાં વિશ્વાસ કરનારા લોકો માટે આ એક શીખ છે તેમ કહી શકાય. સંદર્ભ છે ઉન્નાવ બળાત્કાર કેસ અને અરવલ્લી પર્વતમાળા માટે સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાઓ. ઉન્નાવના પૂર્વ ધારાસભ્ય, બળાત્કારના આરોપી કુલદીપસિંઘ સેંગરને રાહત આપતાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સ્થગિત કરી દીધો છે. જનપ્રતિનિધિ પોક્સો એક્ટ અંતર્ગત લોકસેવકની પરિભાષાના દાયરામાં આવતા નથી તેમ કહીને દિલ્હી હાઈકોર્ટે સેંગરને જામીન ઉપર જ છોડયા. એટલું જ નહીં, પરંતુ તેમને ટ્રાયલ કોર્ટે કરેલી આજીવન કેદની સજા પણ માફ કરી દીધી. આ ચુકાદાની ચર્ચા સર્વત્ર હતી. બળાત્કારના સંગીન આરોપની સજા પણ માફ થઈ જાય તો તેની અસર વિપરીત થવી સ્વાભાવિક છે. બંગાળમાં આર. જી. કર હોસ્પિટલમાં બળાત્કાર થયો હતો, તો આખો દેશ એક્તા બતાવીને રસ્તાઓ ઉપર ઊતર્યો હતો. ઉન્નાવ વખતે એવું થયું નથી, પરંતુ લોકોનાં મનમાં તો આ વાત જ હતી કે સેંગરને સજા થવી જોઈએ. દિલ્હી હાઈકોર્ટના ચુકાદાની ચર્ચા સર્વત્ર હતી. બરાબર એ જ સમયે અરવલ્લીની પર્વતમાળામાં ખનન માટે થયેલા નિર્ણય માટે પણ પર્યાવરણપ્રેમીઓ, રાજસ્થાનના રહેવાસીઓ, ઉત્તર ગુજરાતમાં વસનારા સહિતના અનેક લોકોનો વિરોધ હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, 100 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા પર્વતો જ અરવલ્લી ગણાશે. દેશમાં વિરોધ ઊઠયો. સોશિયલ મીડિયા ઉપર લોકોએ અરવલ્લી બચાવો આંદોલન છેડયું. આખરે સર્વોચ્ચ અદાલતે પોતે જ પોતાના ચુકાદા ઉપર પુનર્વિચાર કર્યો. સર્વે માટે નવી સમિતિ રચવાનો નિર્ણય થયો. 20 નવેમ્બરનો ચુકાદો રોકી દઈને અરવલ્લી પર્વતમાળાની સમાન પરિભાષા પૂર્વવત્ રાખવાનું નક્કી થયું. 21 જાન્યુઆરી 2026ના દિવસે વધારે સુનાવણી થશે. સંબંધિત રાજ્ય સરકારોને પણ કોર્ટે અભ્યાસ કરીને અહેવાલ આપવા જણાવ્યું છે. 100 મીટરથી ઊંચા પર્વતને જ અરવલ્લીનો હિસ્સો માનવામાં આવે તેવું થાય તો નુકસાન શું ? તેની વિચારણા સઘન રીતે થશે. વિશ્વની પ્રાચીન પર્વતમાળાઓ પૈકી એક એવી આ પર્વતમાળા અંગે સર્વોચ્ચ અદાલતે સ્વત:સંજ્ઞાન લીધું છે. જન ગણ મનની લાગણીનો પડઘો અરવલ્લીની ખીણમાંથી સંભળાયો છે. બન્ને કિસ્સામાં અદાલતે પણ એવો જ ચુકાદો આપ્યો, જે પ્રજાનાં મનમાં હતો. ન્યાયપાલિકા અને પ્રજા સમાંતર વિચારે તો લોકતંત્રનાં મૂળિયાં અને વૃક્ષ બન્ને મજબૂત બને તેનું આ ઉદાહરણ છે. 

Panchang

dd