`પહેલા
સગા પાડોશી' એવી
લોકોક્તિ પાડોશીનું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે, પણ જ્યારે એક
દેશ તરીકે વિચારીએ, તો ભારતને એવું સુખ મળ્યું નથી એય હકીકત
છે. આપણા દેશની ફરતે આવેલા પાડોશીઓ નઠારાપણાની તમામ હદ વટાવે તેવા છે અને આ જ
નિ:સાસો વિદેશમંત્રી એસ. જયશંકરે તાજેતરમાં વ્યક્ત કર્યો હતો. વિદેશમંત્રીએ મદ્રાસ
આઈઆઈટીના છાત્રો સાથે સંવાદ દરમ્યાન સ્પષ્ટ કહ્યું કે, વાત
જ્યારે ખરાબ પાડોશીઓની આવે ત્યારે ભારતને પોતાના લોકોની રક્ષા કરવાનો સંપૂર્ણ
અધિકાર રહેલો છે. તેમણે સોય ઝાટકીને એમ પણ કહી દીધું હતું કે, આતંકી હુમલાઓ કરાવતા પાડોશીને
આપણા દેશની નદીનું પાણી માગવાનો પણ હક રહેતો નથી. જયશંકરે એકદમ કટુ સત્ય સૌની સામે
મૂક્યું હતું કે, પાડોશીઓમાં એકમાત્ર પાકિસ્તાન જ એવો દેશ છે,
જેને ભારતની નદીઓનું પાણી પણ જોઈએ છે અને આતંકીઓ મોકલીને નિર્દોષ
નાગરિકોના લોહીની નદી પણ વહાવવી છે. આવાં બેવડાં ધોરણને હરગીજ સાંખી શકાય નહીં.
વાસ્તવમાં, પાકિસ્તાન એવું માની બેઠું હતું કે, વર્તમાન સરકાર પણ તેની અગાઉની સરકારો જેવી જ છે અને એટલે જ 2014માં
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાની કમાન સંભાળી, ત્યારે પણ તેણે પોતાની
કાર્યશૈલી બદલાવી ન હતી. બીજીતરફ ભારત સરકારે સ્પષ્ટ વલણ અખત્યાર કર્યું હતું કે,
હવે આતંકી રાષ્ટ્રને તેની જ
ભાષામાં જવાબ આપવામાં આવશે. એટલે જ 2016માં પાકિસ્તાને પચાવી પાડેલા
કાશ્મીર (પીઓકે)માં સર્જિકલ સ્ટ્રાઈક કરી,
2019માં
એર સ્ટ્રાઈક અને 2025માં બહાદૂરીપૂર્વક ઓપરેશન સિંદૂર કરીને
પાડોશીની બધી જ ગેરસમજ ભાંગી નાખી હતી. પોતાના દુષ્ટ પાડોશીઓને સમજાવવા માટે
ભારતની સરકારોએ પોતપોતાની રીતે બધા પ્રયાસ કર્યા. પંડિત જવાહરલાલ નેહરુથી નરેન્દ્ર
મોદી સુધીના વડાપ્રધાનોએ પાકિસ્તાનને પોતાનો નાનો ભાઈ જ માન્યો હતો, પરંતુ દરેક વખતે ભારતને
તેની ભલમનસાઈનો જવાબ દુષ્ટતાથી જ મળ્યો હતો. આજે સ્થિતિ એ છે કે, ભારત તેના આ નઠારા પાડોશીને પાઠ ભણાવવા હંમેશાં તૈયાર રહે છે. આતંકવાદ
પ્રત્યે પણ ભારતનું પાકિસ્તાન તરફનું વલણ અત્યંત સ્પષ્ટ અને રૂક્ષ છે. વાસ્તવમાં 1971માં
જ્યારે પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું ત્યારે જ તેને સમજાઈ ગયું હતું કે, સીધા યુદ્ધમાં તે કદી પણ
જીતી શકશે નહીં અને એટલે જ તેણે `છદ્મ યુદ્ધ' એટલે કે આતંકવાદને
પોતાનું શત્ર બનાવ્યું હતું. આના પાછળ પાકિસ્તાની કુનીતિ સ્પષ્ટ હતી. તે સમજતું
હતું કે, આતંકી કાર્યવાહી પાછળ પોતાને ઓછો ખર્ચ થશે, પરંતુ ભારતને નુકસાન પહોંચાડી શકે છે. તેની આ ચાલબાજી 2014 સુધી
તો સમીસરખી ચાલી પરંતુ એ પછી તેના પાસાં અવળાં પડયાં છે. મોદીની ટીમમાં અજિતકુમાર
ડોભાલ જેવા અનુભવી જાસૂસોએ સમજી લીધું કે,
હવે પાકિસ્તાનના આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ચૂક્યો છે. મોદી
સરકારની દરેક વાતે ટીકા કરતા તજજ્ઞોના એક વર્ગે એ વખતે એવી વાત આગળ રાખી હતી કે,
જો પાકિસ્તાનની સરકાર તરફ કડક વલણ રખાશે તો સેના સરકાર ઉથલાવીને
સત્તા મેળવી લેશે જો કે, તેમનો આ કુતર્ક લાંબો સમય ચાલ્યો ન
હતો કેમ કે, મોદી સરકાર એવું સમજાવવામાં સફળ રહી હતી કે,
ભારતની સેના પાકિસ્તાનના લોકો, સરકાર કે
ત્યાંની સેના વિરુદ્ધ નથી તેનું નિશાન માત્ર ને માત્ર ત્યાંની ભૂમિ પર ઉછરી રહેલા
આતંકીઓ જ છે. ભારત કોઈ પણ દેશની એ સલાહને પણ માનવાનો નથી કે પાકિસ્તાન તો જાતે જ આતંકવાદનો
ભોગ બનેલો છે. ભારત માને છે કે, આજે પાકિસ્તાનના ખૈબર
પખ્તુનખ્વા બલૂચિસ્તાન અને કરાચીમાંની આતંકી ઘટનાઓ પાછળ ખુદ ઈસ્લામાબાદની નીતિઓ જ
જવાબદાર છે. હવે રહી વાત ભારત દ્વારા જળસંધિ માનવા કે ન માનવાની, તો ભારતે પોતાના પાડોશીને એ વાતનો અહેસાસ કરાવવા સંધિને રોકી છે કે તે
પંડિત જવાહરલાલ નેહરુની એ સહૃદયતાને સમજે
કે જેમણે 1960માં દુષ્ટ પાડોશીને માત્ર એટલા
માટે 80 ટકા પાણી આપ્યું કે,
તે ભારત સાથે શત્રુતાનો માર્ગ અપનાવે નહીં, પણ
પરિણામ આપણી સામે છે. કહેવાનું તાત્પર્ય એ
જ છે કે, ભારત દુષ્ટ પાડોશી સાથે જ્યાં કઠોર વ્યવહાર કરે છે,
તો અન્ય પાડોશીઓ માટે જરૂરત પડે ત્યારે `પહેલા
સગા'ના
ન્યાયે ખડાપગે ઊભી પણ જાણે છે. એટલે જ વિદેશમંત્રી જયશંકરે દુષ્ટ પાડોશી સાથે કઈ
રીતે પનારો પાડવો તેનો ફોડ પાડયો છે તે બધી રીતે ઉચિત છે.