• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

પેયજળ બન્યું જીવન-મરણના જંગ માટેનું કારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અર્થતંત્રના સુધારા સાથે જનજીવન સુધારા ઉપર હંમેશાં ભાર મૂકે છે. સ્વચ્છ ભારત અને જળ-જીવન મિશન-અભિયાન અમલમાં છે. નલ સે જલ - પીવાનું પાણી દરેક ઘર સુધી પહોંચાડવાનું ધ્યેય છે, પણ ઈંદોરમાં સુધરાઈના અસ્વચ્છ - વિષાણુયુક્ત પાણીની મોટી દુર્ઘટના સમગ્ર દેશ માટે શરમજનક છે - એક કલંક છે! રાજધાની નવી દિલ્હીમાં હવામાનના પ્રદૂષણે હાહાકાર મચાવ્યો છે અને સૌનું ધ્યાન પર્યાવરણ ઉપર કેન્દ્રિત છે, પણ જનજીવન માટે હવા સાથે પાણી પણ અનિવાર્ય છે. જળ-જીવન છે છતાં જળ-મરણનું કારણ - નિમિત બની જાય તે આઘાતજનક છે. ભારતનાં શ્રેષ્ઠ - સ્વચ્છ શહેરનું બિરુદ વર્ષોથી ભોગવતા ઈંદોર જ નહીં સમસ્ત દેશ ઉપર આ આઘાત છે અને તે કુદરતનો કોપ નથી, માનવસર્જિત છે. અપરાધી બેદરકારી છે. પાણીની પાઇપલાઇન જૂની, તૂટેલી હોવા છતાં સુધરાઈએ દરકાર કરી નહીં. સ્થાનિક રહેવાસીઓ દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદ બે મહિનાથી કરી રહ્યા હતા, પણ સત્તાધીશ સુધરાઈના સભ્યો અને કર્મચારીઓએ પરવા કરી નહીં. દરમ્યાન ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ દૂષિત પાણીકાંડ બહાર આવ્યો છે. પેયજળની પાઇપલાઇનમાં ગટરમિશ્રિત પાણી ભળી જતાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ટાઇફોઇડ અને પેટની બીમારીના કેસ મોટાપાયે આવવા લાગતાં રાજ્ય સરકારે તાકીદની વ્યવસ્થા ગોઠવવી પડી છે. અનેક નાગરિકો બીમાર બનીને હોસ્પિટલમાં દાખલ થયા છે. ગુજરાતમાં ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર સામે જનઆરોગ્યને લઇને આ પહેલો મોટો પડકાર ઊભો થયો છે. ઇંદોર હોય, ગાંધીનગર હોય, દેશનાં બીજાં શહેરો હોય કે કચ્છના ભુજ, અંજાર, ગાંધીધામ જેવાં શહેર, પેયજળની શુદ્ધતા પ્રત્યે ઉત્તરદાયિત્વ બજાવાતું નથી. સરકાર યોજનાઓ કરે, નાણા ખર્ચાય, પણ જવાબદારી સાથે કામ નથી થતું એ મોટી સમસ્યા છે. ઇંદોરની વાત કરીએ તો કારણોની તપાસ કરવાની જરૂર નથી. કારણો સ્પષ્ટ છે. પાઇપલાઇનો બદલવાની જાહેરાત થઈ હોવા છતાં કોઈને ઉતાવળ કે ચિંતા નહોતી. માત્ર કર્મચારીઓ જ નહીં, ઉપરી અધિકારીઓ અને સુધરાઈના સભ્ય પણ જવાબદાર છે. જન-જીવન સાથે આ ખિલવાડ થયો છે તેથી તાત્કાલિક પાઇપલાઇનનું સમારકામ થાય અથવા બદલવામાં આવે અને જવાબદાર નેતાઓને પણ રુખસદ આપવામાં આવે - દાખલારૂપ સજા થાય તે જરૂરી છે. ઈંદોરની દુર્ઘટના પહેલાં - નવેમ્બર મહિનામાં જ ભોપાલ નજીકની વેલ્લોર ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીના પરિસરમાં પ્રદૂષિત પાણીની ફરિયાદ થઈ હતી. ઘણા વિદ્યાર્થીઓ કમળાનો ભોગ બન્યા ત્યારે હો-હા થઈ હતી, પણ સત્તાધીશોના કાને અવાજ પહોંચ્યો નહીં. ઈંદોરમાં ભાજપનું શાસન છે અને એવી વાત પણ બહાર આવી છે કે, સમાજવિરોધી તત્ત્વોએ પાઇપલાઇનની ભાંગફોડ કરી છે. તપાસમાં જો આ વાત સાબિત થાય તો તે વધુ ગંભીર છે.રાજકીય પક્ષોની સત્તાખોરીમાં જનતાના જીવ જોખમમાં મુકાય અથવા ગુમાવાય તે લોકતંત્ર નથી. ઈંદોરની દુર્ઘટના પછી મહાનગર મુંબઈ  સહિત દેશનાં તમામ શહેરોએ સક્રિય બનવાની જરૂર છે. આ `ચેતવણી' છે. મોદી સરકાર બ્રિટિશકાળના જૂના-પુરાણા કાયદા રદ કરે છે તેવી રીતે જૂની-પુરાણી પાઇપલાઇનો અને ગટરની પાઇપો પણ બદલવી જોઇએ. ફરિયાદ આવે અને રોગચાળો ફેલાય ત્યાં સુધી રાહ જોવાય નહીં. નેતાઓ સુધરાઈની સત્તા મેળવવા તલપાપડ છે, ત્યારે આ વિષય પણ ચૂંટણીની ચર્ચાનાં કેન્દ્રમાં આવવો જોઇએ. 

Panchang

dd