મુંબઈ, તા. પ : ટીમ ઇન્ડિયામાં
વાપસી કરનાર મીડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યરને વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈનો કેપ્ટન
બનાવવામાં આવ્યો છે કારણ કે નિયમિત કપ્તાન અને ઝડપી બોલર શાર્દુલ ઠાકુર ઇજાને લીધે
સ્પર્ધાની બહાર થઈ ગયો છે. શ્રેયસ અય્યર પાંસળીની ઇજા પછી લાંબા સમયે મેદાન પર
વાપસી કરી રહ્યો છે. મુંબઈ ટીમ આવતીકાલ મંગળવારે જયપુર ખાતે હિમાલચ પ્રદેશ ટીમ
વિરુદ્ધ વિજય હઝારે ટ્રોફીની લીગ મેચ રમશે. જેમાં મુંબઈ ટીમ શ્રેયસ અય્યરની
આગેવાનીમાં ઉતરશે. શ્રેયસ અય્યરનો ભારતની ન્યુઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીની
ટીમમાં સમાવેશ કરાયો છે. તેને ફિટનેસ સાબિત કરવાની શરતે ટીમમાં સામેલ કરાયો છે અને
ઉપ કપ્તાન બનાવાયો છે. શ્રેણીની પહેલી મેચ 11મીએ વડોદરામાં, બીજી મેચ 14મીએ
રાજકોટમાં અને ત્રીજી મેચ 18મીએ ઇન્દોરમાં રમાશે. અય્યર
હિમાચલ વિરુદ્ધની મેચમાં ફિટનેસ સાબિત કરશે તો ટીમ ઇન્ડિયા સાથે જોડાશે. આથી મુંબઈ
ટીમે ફરી નવો કામચલાઉ કપ્તાન શોધવો પડશે.