રાપર, તા. 23 : આજના ઈન્ટરનેટ અને મોબાઈલના
યુગમાં પણ સાચી માહિતીનું માધ્યમ તો પુસ્તક જ છે અને પુસ્તક મેળવવાનું માધ્યમ એટલે
ગ્રંથાલય હોવાનું જણાવી ગ્રંથાલયના ઉદ્ઘાટનને વિશિષ્ટ પ્રસંગ હોવાનું રાપરમાં સરકારી
તાલુકા ગ્રંથાલયના ઉદ્ઘાટન પ્રસંગે અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. રાપરમાં
નગરપાલિકા કચેરીના ઉપરના ખંડમાં વિદ્યાર્થીઓ, યુવાનો અને પુસ્તકપ્રેમીઓને વાંચન અને જ્ઞાનની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી
રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સરકારી તાલુકા ગ્રંથાલયનો પ્રારંભ ધારાસભ્ય
વીરેન્દ્રાસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યો હતો. રિબીન કાપી ઉદ્ઘાટન કર્યા બાદ ઉપસ્થિત
મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટ વિભાગના
મદદનીશ ગ્રંથાલય નિયામક અનિષાબેન સુમરાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. જિલ્લા ભાજપ મંત્રી
ઉમેશભાઈ સોનીએ પ્રાસંગિક ઉદબોધનમાં ભારતની સૌથી મોટી અને પ્રાચીન નાલંદા વિદ્યાપીઠમાં
આવેલા અને 90 લાખ પુસ્તકો
ધરાવતા ધર્મગંજ ગ્રંથાલય વિશે માહિતી આપી ગ્રંથાલયને પ્રવૃત્તિશીલ અને પ્રગતિશીલ રાખવા
અનુરોધ કર્યો હતો. તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રાસિંહ
વાઘેલા અને શહેર ભાજપ મહામંત્રી મદુભા વાઘેલાએ અને ઈસારના સેજલબેન જોશીએ વાંચનથી જીવનમાં
સ્થિરતા અને એકાગ્રતા આવતી હોવાનું જણાવી વાંચનની આદત પાડી ગ્રંથાલયને ધમધમતું રાખવા
વિવિધ વિષયોના પુસ્તકો, અખબારો અને
અભ્યાસલક્ષી સાહિત્યનો વ્યાપક લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ
ચાંદભાઈ ઠક્કર, પૂર્વ પ્રમુખ હઠુભા સોઢા, તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ઢીલા, પૂર્વ પ્રમુખ
હમીરજી સોઢા, નશાભાઈ દૈયા, લાલજી કારોત્રા,
વિનુભાઈ થાનકી, ડોલરરાય ગોર, જયરામભાઈ સોનારા, નગરસેવકો સહિત વાંચનપ્રેમીઓ તેમજ અગ્રણીઓ
ઉપસ્થિત રહ્યા હતા. જીતેન્દ્ર બી. ઓઝા, રાહુલભાઈ રાઠોડ,
અશ્વિન ગુસાઈ, દિનેશ ચાવડા વગેરેએ આયોજન અને વ્યવસ્થા
સંભાળી હતી. આભારવિધિ રઘુભાઈ પટેલે કરી હતી.