નખત્રાણા, તા. 23 : તાલુકા સ્વાગત કાર્યક્રમમાં
17 પૈકી 11 પ્રશ્નનો હકારાત્મક ઉકેલ કરાયો
હતો, જ્યારે છ જટિલ પ્રશ્ન સંબંધિત વિભાગને તપાસ
માટે મોકલાયા હતા. મામલતદાર રાકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં
પડતર 17 પ્રશ્નમાંથી 11નો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. દેશલપર (ગુંતલી)ના જગદીશ દવેની ગામની પ્રાથમિક શાળાનું
જૂનું જર્જરિત બિલ્ડિંગ જોખમી હોઈ તોડી નવું બનાવવાની અરજી સંદર્ભે તાલુકા પ્રાથમિક
શિક્ષણાધિકારીએ સમસ્યાના નિવારણ માટે લેખિતમાં જણાવ્યું હતું. 14 વર્ષ અગાઉ ધાવડા મોટા ગામનું
હક્કપત્રક ગુમ થઈ ગયું છે, જેનો કોઈ ઉકેલ
ન આવતાં અરજદારે પોલીસ ફરિયાદ થવા રજૂઆત કરી હતી. અરજદાર વતી વકીલ ભગવાનભાઈ કાનજિયાણીએ
પ્રશ્નો ઉઠાવ્યા હતા. વન રખાલોમાં ડ્રીપ ઈરિગેશનમાં ભ્રષ્ટાચાર મુદ્દે ભુજના રોહિત
ઠક્કરે તપાસ કરવા રજૂઆત કરી હતી. દિવ્યાબેન સોનીએ રેશનિંગ એપમાંથી ડેટા લીક થવા અંગે,
વિથોણ-દેવપર વિસ્તારની વાડીઓમાં ભૂંડ દ્વારા થતા વ્યાપક નુકસાન સંબંધે
પગલાં ભરવા રિદ્ધિબેન, શાંતિલાલ નાથાણીએ રજૂઆત કરી હતી. અરલની
નદી પાસે દબાણ, નખત્રાણાની સરકારી જમીન પરનું દબાણ હટાવવા,
વેડહારની ટ્રાન્શમિશનની સમસ્યા નિવારવા, બી.એસ.એન.એલ.ની
કથળેલી સેવામાં સુધાર લાવવા તલના હાજી જતે માંગ કરી હતી. જુવાનસિંહ જાડેજાએ રસલિયામાં
નાકું તોડવા જણાવ્યું હતું. રજૂ થયેલા પ્રશ્નો સંબંધે મામલતદારે આગામી સ્વાગત કાર્યક્રમ સુધી ઉકેલ લાવવા તાકીદ કરી હતી.