નખત્રાણા, તા. 23 : ચાલુ વર્ષે મગફળી પેદાશના હબ
ગણાતા નખત્રાણા તાલુકામાં નહિંવત વરસાદના કારણે પિયત પાણીથી પાકતી મગફળી વરસાદી પાલર
પાણીના અભાવે ગત વર્ષની તુલનાએ માંડ 50 ટકા ઉપજ થઇ હોવાથી દક્ષિણ ભારતમાંથી ખરીદી અર્થે વેચારીઓ પહોંચ્યા
હતા. ખાસ કરી નખત્રાણા તાલુકાના `માકપટ્ટ'માં ઉપજતી ઉત્તમ કવોલિટીની મગફળીના દાણાની દક્ષિણના
આંધ્રપ્રદેશમાં શિયાળુ વાવેતર માટે વધુ માંગ રહે છે, જેથી નખત્રાણા
તાલુકામાં મગફળીના તૈયાર પાકના વાડીઓમાં ખેડૂતના `ખડા'માં પડેલી ખુલ્લી મગફળી ખરીદવા અન્ના આવી પહોંચતા 40 કિલો મગફળીના ભાવ નીચામાં 3500એ પહોંચેલા ભાવમાં 500થી 1000 જેટલી આસમાની તેજી થતાં ખેડૂત
વેપારી કમિશન એજન્ટો માટે માલામાલની સ્થિતિથી મોજ આવી છે. અબડાસા-લખપત તાલુકામાં વરસાદની
અછતના કારણે મગફળીની પેદાશ ઝીરો હોવાનું વેપારી વર્તુળોએ જણાવ્યું હતું. શિંગદાણાની
ફેક્ટરી ધરાવતા વેપારી ભરતભાઇ સોમજિયાણીએ આ ચાલુ વર્ષે મગફળીની અડધાથી ઓછા પ્રમાણમાં
પેદાશની નિરાશાજનક પરિસ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અગાઉ ક્યારેય પણ મગફળીના ભાવ નહીં જોયા હોય એવા ભાવ થયા
છે. બિયારણ બર મગફળી 4000થી 4500 જેવા વિક્રમી સપાટીએ ભાવ થયા
છે, તો પંકજભાઇ દૈયા તથા વિજ્ઞેશ (બંટીભાઇ)એ પણ
ચાલુ વર્ષે ભાવ વધારાને સમર્થન આપ્યું હતું.