દીપક માંકડ : કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ એવા સમયે કચ્છ
આવી રહ્યા છે, જ્યારે જિલ્લામાં વન વિભાગની
પ્રવૃત્તિનો પથારો વિસ્તર્યો છે. કચ્છ સૂકો સીમાવર્તી વિસ્તાર. વન ખાતાંની પ્રવૃત્તિ
એક સમયે મુખ્યત્વે વનીકરણ-વૃક્ષારોપણ, બન્ની અને તેનાં ઘાસિયાં
મેદાન, ચેરિયાં, રખાલો પૂરતી રહેતી. અભયારણ્યો
ઘણા, પણ વન્યજીવો-વનચરોની સંખ્યા સીમિત, પણ હવે પ્રવાસનના વિકાસ સાથે તાલ મિલાવીને નિતનવા પ્રોજેક્ટનું અમલીકરણ કચ્છના
વનવિભાગના એજન્ડામાં છે. ઔદ્યોગિકીકરણને પગલે કચ્છમાં પર્યાવરણના પ્રશ્નોએ ઉત્પન્ન
થઈ રહ્યા છે. વન-પર્યાવરણ મંત્રી જળવાયુ પરિવર્તનનો વિભાગે સંભાળી રહ્યા છે એ નોંધનીય
છે. એક સમયે ગુજરાત ભાજપના પ્રભારી તરીકે લાંબો સમય કામ કરી ચૂકેલા શ્રી યાદવ અબડાસાના
ઘોરાડ અભયારણ્યમાં બાળ ઘોરાડની પ્રવૃત્તિ નિહાળવા તથા અભયારણ્યમાં અતિવિલુપ્તપ્રાય
પંખી પ્રજાતિનાં સંવર્ધનની સ્થાનિકે સમીક્ષા કરશે અને ચેરિયાં વિશે સેમિનારને સંબોધન કરશે. કચ્છ માટે બધા મુદ્દા મહત્ત્વના છે,
એમાં સૌથી અગત્યનો પલાંસવા-ટીકર રસ્તાની અટવાયેલી મંજૂરીનો. કચ્છ અત્યારે
ઝડપી માળખાંકીય વિકાસ નિહાળી રહ્યું છે. ગ્રીન એનર્જીનાં હબ તરીકે પ્રસ્થાપિત કચ્છ
હવે દેશના દરેક ભાગ સાથે સીધો વેપાર - પરિવહન સંબંધ ધરાવે છે. દાયકાઓ જૂના ઘડુલી -
સાંતલપુર માર્ગનો આંશિક અમલ થઈ ચૂક્યો છે અને એનો પ્રવાસનમાં અકલ્પનીય ફાયદો થયો છે.
ખાવડા-કાઢવાંઢથી ધોળાવીરાને જોડતો રોડ ટુ હેવન અને એકલથી ખડીરને સાંકળતા રોડ ટુ ઈન્ફીનિટી
(એકલ-બાંભણકા) ટૂરિસ્ટ માટે હોટ ફેવરીટ બની ગયા છે. પણ વાગડ માટે ખૂબ મહત્ત્વનો એવો
પલાંસવા-ટીકર-હળવદ માર્ગ પર્યાવરણના મુદ્દે અટવાઈ ગયો છે. એક સમયે ગાડાવાટ,
પગવાટ તરીકે ઉપયોગી આ રૂટ પર 1965 સુધી એસ.ટી. બસ દોડતી અને હળવદ પહોંચાડતી. રાપર તાલુકાના પલાંસવાથી
સુરેન્દ્રનગર જિલ્લાના ટીકર સુધીના રસ્તા વચ્ચે રણ પથરાયેલું હોવાથી બારમાસી વપરાશ
થઈ શકતો નથી. આ માર્ગ બંધાય તો અમદાવાદ-કચ્છનું અંતરે ઘટી જાય, સમય અને ઇંધણનીય બચત થાય, વળી ઉત્તર ગુજરાત, દિલ્હી, સૌરાષ્ટ્રનો
ટ્રાફિક ત્યાંથી વળી જઇ શકે. સૂરજબારી પુલ બંધાયો એ પહેલાં રાપર તાલુકાનો સૌરાષ્ટ્ર
સાથેનો વ્યવહાર આ માર્ગે જ થતો. આશરે 42 કિલોમીટર લાંબા રસ્તાને 1997માં મંજૂરી મળી, નાણાં ફાળવાયાં ને આંશિક કામે શરૂ થયું હતું, પરંતુ નાનાં
રણના જંગલી ગધેડાનાં અભયારણ્યને લીધે જંગલ ખાતાંએ પાકા રસ્તા સામે વાંધો ઉઠાવતાં કામ
અટકી ગયું. રજૂઆતોના દોર અને સમજાવટ બાદ ગયાં વર્ષે રાજ્ય સરકારે પલાંસવા-ટીકરનો પ્રિ-કન્સટ્રક્શન
કામગીરી માટે 20 કરોડની ફાળવણી
કરી હતી, પરંતુ પર્યાવરણ મંજૂરીનો પ્રશ્ન ઉકેલાયો નથી.
અહીં એ નોંધનીય છે કે, પલાંસવા-ટીકર રણમાર્ગ માત્ર 35 કિ.મી. દૂર છે. ફરીને વર્તમાન
મુખ્ય રસ્તાથી જતાં 160 કિ.મી. થાય
છે. કચ્છના જનપ્રતિનિધિઓએ ભૂપેન્દ્ર યાદવને આ માર્ગની અનિવાર્યતા સમજાવીને વનખાતાંના
એનઓસી ન મળવાનો અંતરાય દૂર કરવાને ટોચની પ્રાથમિકતા
આપવી રહી. પર્યાવરણ જીવસૃષ્ટિનું જતન-સંવર્ધન જરૂરી છે. આજે વિજ્ઞાને પ્રગતિ કરી છે.
આજે દરેક પ્રશ્નોનો હલ શક્ય છે. છારીઢંઢ જેને રામસર સાઈટ ઘોષિત કરી તેને અડીને આવેલા
કીરો ડુંગર વિસ્તારમાં સોલાર પ્લાન્ટને મંજૂરી અપાતી હોય તો આ માર્ગ માટે કેમ હકારાત્મક
વલણ નથી અપનાવાતું ? ઘુડખરની નૈસર્ગિક
આવનજાવનમાં અવરોધ ન આવે એવા ઉપાય થઈ શકે. કચ્છના જાણીતા અભ્યાસુ હરેશ ન. મહેતાએ નોંધ્યું
છે કે, નજીકના ભૂતકાળમાં દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ-વે,
દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ માર્ગ (કોર્બેટ પાર્ક નજીક), આસામ, કાશ્મીરના માર્ગો માટે પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ
ક્ષેત્રમાં મંજૂરી અપાઈ છે. હકારાત્મક કેન્દ્ર સરકાર ખુદ પોતાને હસ્તક રાખીને આ માર્ગ
નિર્માણ કરે એ જરૂરી છે. દરમ્યાન બન્નીમાં ચિત્તાના વસવાટનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ
પણ મહત્ત્વપૂર્ણ છે. ચિત્તા માટે પ્રાથમિક તબક્કે 500 હેક્ટરમાં 20 કરોડના ખર્ચે કેન્દ્ર તૈયાર
કરવામાં આવ્યું છે. ચિતલ સહિતના હરણો વસાવવામાં આવ્યા છે. પ્રવાસનની દૃષ્ટિએ ગેમ ચેન્જર
બનવાની સંભાવના ધરાવતાં આ કેન્દ્રમાં જ્યારે ચિત્તાનાં પહેલાં પગરણ થશે ત્યારે વડાપ્રધાન
નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી સંભાવના જોવાઈ રહી છે. રાજસ્થાનની અલવર બેઠક પરથી લોકસભામાં
ચૂંટાયેલા ભૂપેન્દ્ર યાદવ કચ્છ આવે છે, ત્યારે ઘોરાડ સંવર્ધન ઉપરાંત બીજા પંખીઓ-જીવસૃષ્ટિ માટે પણ ખતરો બનેલી હાઈટેન્શન
લાઈનોનો મુદ્દોએ હાઈલાઈટ થાય એ જરૂરી છે. સર્વોચ્ચ અદાલતે ટ્રાન્સમિશન લાઈનો અન્ડરગ્રાઉન્ડ
કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ તેના અમલ સામે પ્રશ્નાર્થ છે. કચ્છનાં
નાના રણમાં વિચરતા ઘૂડખર, ચેરિયાં, સમુદ્રકાંઠા
વિસ્તારની જીવસૃષ્ટિ-ખાસ તો કાચબા, ડોલ્ફીન પણ કચ્છ અને અખાતની
વિશેષતા છે. કચ્છ જેવા વિકસતા જિલ્લા માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રીની મુલાકાત ખાસ
અગત્યતા ધરાવે છે. ઘર આંગણે આવેલા મંત્રી સમક્ષ પલાંસવા-ટીકર માટે મક્કમ ખાતરી માગી
લેવાની જરૂર છે. ગ્રીન ઊર્જાનું દેશનું મહામથક બની રહેલા કચ્છની નૈસર્ગિકતા- નાજૂક
ઈકોસિસ્ટમ ઉદ્યોગોના આક્રમણમાં નષ્ટ ન થઈ જાય તેની દરકાર લેવાની ભલામણો શ્રી યાદવ સમક્ષ
ભારપૂર્વક કરવી રહી.