• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

આજે ભારત-અફઘાનની ટી-20 ટક્કર

નવી દિલ્હી, તા. 12 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચ આવતીકાલે રવિવારે દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. પ્રથમ મેચમાં મોટી ગડમથલ એ હશે કે વંડર બોય વૈભવ સૂર્યવંશીને રમવા ઉતારવો કે સંજુ સેમસનને તક આપવી. ઇંગ્લેન્ડમાં સેમસનની જગ્યાએ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ શ્રેણીની અંતિમ મેચમાં સેમસનને તક અપાઈ હતી. સેમસન અને અભિષેક શર્મા ટી20 ફોર્મેટમાં સફળ જોડી રહ્યા છે ત્યારે કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ ઐયર જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પ્લેઇંગ ઇલેવનને અંતિમ સ્વરૂપ આપતા પહેલાં સેમસન અને સૂર્યવંશી બંનેને સમાન તક આપશે તેવી અપેક્ષા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝના તમામ મુકાબલા ભારતમાં રમાઈ રહ્યા હોવા છતાં તેનું સત્તાવાર યજમાન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ છે. રાશિદ ખાન, નૂર અહમદ, ઈબ્રાહિમ ઝાદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, મોહમ્મદ નબી, અઝમતુલ્લાહ ઉમરઝાઈ જેવા મજબૂત ખેલાડીઓ ભારત માટે જોખમી છે. તેઓ મેચની બાજી  પલટી શકે છે. ભારતની ટીમ પર ભૂતકાળની હારના કારણે સારો દેખાવ કરવાનું દબાણ રહેશે. આ સીરિઝ માટે ભારતીય ટીમનું નેતૃત્વ શ્રેયસ ઐયર કરશે અને તિલક વર્મા વાઇસ-કેપ્ટન રહેશે. ટીમમાં અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઇશાન કિશન, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વાશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને યશ ઠાકુરને સ્થાન અપાયું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd