અર્પિત ગંગર દ્વારા : મુંબઈ, તા. 23 : રાષ્ટ્રીય હાથસાળ દિવસ 2026ની ઉજવણી માટે મુંબઈના ટેક્સટાઇલ
કમિટી કોન્ફરન્સ હોલ ખાતે રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં સરકારી અધિકારીઓ, કાપડ વ્યાવસાયિકો, ડિઝાઇનર્સ, વિદ્યાર્થીઓ,
સંશોધકો અને હાથસાળ ક્ષેત્રના અન્ય હિસ્સેદારો સહિત 100થી વધુ સહભાગી જોડાયા હતા.
ભારત સરકારના કાપડ મંત્રાલયના કાપડ સમિતિના સચિવ કાર્તિકાય ધાંડા મુખ્ય અતિથિ પદે યોજાયેલી
આ પરિષદનું આયોજન અન્વેષણમ ફાઉન્ડેશન, ટેક્સટાઇલ વેલ્યૂ ચેઇન અને ટેક્સટાઇલ કમિટી (ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલય)
દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પરિષદે ભારતના હાથસાળ ક્ષેત્ર
વિશે મૂલ્યવાન સમજ આપી હતી અને તેમાં સામેલ લોકોના સખત પરિશ્રમ અને સમર્પણ પર પ્રકાશ
પાડ્યો હતો. હાથસાળ કામદારોને ઘણીવાર સસ્તા મજૂર તરીકે ગણવામાં આવે છે, પરંતુ હાથસાળ એક કિંમતી કલા છે અને તેથી જ કારીગરોના કૌશલ્ય અને પ્રયત્નો વધુ
આદર અને માન્યતાને પાત્ર છે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત કૌશલ્યોને આધુનિક
બજારો સાથે જોડવાનો હતો, સાથે સાથે હાથવણાટ કામદારો માટે આદર,
માન્યતા અને ટકાઉ આવક સુનિશ્ચિત કરવાનો હતો. વિશેષ મહેમાન એવા ગીતા કાસ્ટેલિનો
(કાલા ઘોડા એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર)એ જણાવ્યું હતું કે, કાલા ઘોડા આર્ટ્સ ફેસ્ટિવલ 26 વર્ષ પહેલાં શરૂ થયો ત્યારથી હાથવણાટના ઉત્પાદનો વેચતા સ્ટોલ
માટે જગ્યા પૂરી પાડીને હાથવણાટ ઉદ્યોગને ટેકો આપ્યો છે. આ કોન્ફરન્સમાં સરકાર, હાથવણાટ અને ડિઝાઇન ઉદ્યોગો, એનજીઓ અને સામાજિક સંગઠનોના વક્તાઓની એક વિશિષ્ટ પેનલ હાજર રહી હતી,
જેમાં ડો. ઈલા દેઢિયા, ડે. કે. એસ. મુરલીધરા,
સંતોષ પી. શિંદે, પ્રો. ડો. અંશુ શર્મા,
પ્રો. ડો. મોનિકા અગ્રવાલ, તસ્નીમ મર્ચન્ટ,
ધારા પડિયા, નીના લોકરે, ડો. મંજુલા જગતરામકા, ડો. જિજ્ઞાસા શાહ, બિજલ દેઢિયા અને ડો. અંબ્રેનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમના આયોજક ડો. ઈલા
મનોજ દેઢિયા (અન્વેષણમ ફાઉન્ડેશનના સ્થાપક અને ડિરેક્ટર)ની યાત્રા આંધ્રપ્રદેશના ગામડાઓની
મુલાકાત બાદ શરૂ થઈ હતી, જ્યાં તેમણે હાથસાળ કામદારોને ખૂબ ઓછી
આવક, દેવા અને મુશ્કેલ જીવનશૈલી સાથે સંઘર્ષ કરતા જોયા હતા. કેટલાક
પરિવારોએ તો ટકી રહેવા માટે પોતાના ઘરો ગીરવે મૂક્યા હતા. આ અનુભવોએ તેમને હાથસાળ કામદારો
અને કારીગરોને ટેકો આપવા માટે પગલાં લેવા અને પહેલ શરૂ કરવા પ્રેરણા આપી હતી. હાથસાળ
ક્ષેત્રમાં કામ કરતી ઘણી સંસ્થાઓએ પણ તેમના ઉચ્ચ ગુણવત્તાવાળા હાથસાળ ઉત્પાદનો અને
કારીગરોની અસાધારણ પ્રતિભા દર્શાવવા માટે તેમના સ્ટોલ ગોઠવ્યા હતા.